યુવાનની હત્યાના ગુનામાં આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારાઇ
પરબતપુરાના કોલ્ડ સ્ટોરેજમાં બે વર્ષ અગાઉ થયેલી
અદાવત રાખીને ઊંઘમાં જ માથામાં કુહાડો મારીને ગુનાને અંજામ આપ્યો : ગાંધીનગર ડીસ્ટ્રીકટ કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પરબતપુરામાં આવેલા ગોકુલ સ્ટોરેજમાં બે વર્ષ અગાઉ યુવાનની માથામાં કુહાડો મારીને કરવામાં આવેલી હત્યાના ગુનામાં કેસ ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી અને પુરાવાઓને આધારે કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસા
તાલુકામાં આવેલા પરબતપુરા ગામની સીમમાં ગત ૨૪ ફેબ્આરી ૨૦૨૨ના રોજ બેચન ટૂપન ચંદુ
ષિદેવ સુઈ રહ્યો હતો તે દરમિયાન અહીં કામ કરતા મિથુન ઉર્ફે ભૂખરુ ભોલા ષિ દ્વારા
તેના માથામાં કુહાડો મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી હતી. જેના પગલે
મૃતકના ભાઈ દિલીપ દ્વારા માણસા પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એચ.આઈ ભટ્ટની
કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ જીગ્નેશ જોષી દ્વારા કોર્ટમાં હત્યાને
લગતા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને સાક્ષીઓની જુબાની પણ લેવામાં
આવી હતી તેમજ સમગ્ર ઘટના કોલ્ડ સ્ટોરેજના સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થઈ હોવાથી તે
પણ રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે, કોઈપણ કેસમાં ગુનો કરવા પાછળનો હેતુ હોય છે અને આ ગુનામાં
પણ આરોપીના પિતાની અગાઉ હત્યા કરવામાં આવી હતી અને જે ગુનામાં મૃતક તેમજ તેના
ભાઈઓના નામ આવેલા હતા જેથી બદલાના સ્વરૃપે આ હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો
છે એટલે આ ગુનામાં આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી મહત્તમ સજા કરવામાં આવે અને
આ દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપી મિથુન ઉર્ફે ભૂખરુ ભોલા ષિને હત્યાના
ગુનામાં કસૂરવાર ફેરવીને આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સજાનો હુકમ કર્યો
હતો અને ૨૦ હજાર રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.