રિક્ષામાં પેસેન્જર તરીકે બેસી સિનિયર સિટિઝનને લૂંટતી ગેંગનો સાગરીત પકડાયો,25 ગુનામાં સંડોવણી
વડોદરાઃ રિક્ષામાં અગાઉ પેસેન્જરના સ્વાંગમાં ગોઠવાઇ જઇ સિનિયર સિટિઝન મુસાફરોને લૂંટતી ગેંગમાં મહત્વની ભૂમિકા ભજવનાર સાગરીતને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
વડોદરામાં જુદાજુદા વિસ્તારોમાં રિક્ષામાં ફરી સિનિયર સિટિઝનોને મુસાફર તરીકે બેસાડયા બાદ તેમની નજર ચૂકવી કિંમતી સામાન પડાવી લેતી ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને પીઆઇ હેતલ તુવરની ટીમે પર્દાફાશ કરતાં અત્યાર સુધીમાં મહિલા સહિત સાત આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસની ટીમે આ ગેંગમાં રિક્ષા ડ્રાઇવિંગ,પેસેન્જર તરીકે પાછળ બેસી સિનિયર સિટિઝનને વાતોમાં પરોવવા અને દાગીના ઉઠાવી લેવા જેવી જુદીજુદી કામગીરી કરતા રાજેશ ઉર્ફેટની દયારામ પરમાર(દેવી પૂજક)(રહે.કુંભારખાડ,તળાવ પાસે,મહેમદા વાદ,ખેડા)ને ઝડપી પાડયો હતો.
શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર રાજેશ આવ્યો હોવાની વિગતો મળતાં પોલીસે વોચ રાખી તેને દબોચી લીધો હતો.
રાજેશ ટની સામે ગુજરાત અને દિલ્હીમાં 25 થી વધુ ગુના
રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતી ગેંગ સાથે સંકળાયેલા રાજેશ ઉર્ફે ટની પરમાર ઝડપાતાં તેને હરણી પોલીસને સોંપવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી રાજેશની વડોદરા ઉપરાંત રાજકોટ,ખેડા, અમદાવાદ અને દિલ્હીમાં ૨૫ થી વધુ ગુનાઓમાં સંડોવણી હોવાનું જણાઇ આવ્યું છે.