બાપોદમાં વોન્ટેડ આરોપીએ સપ્લાય કરેલા દારૃ સાથે આરોપી ઝડપાયો
વોન્ટેડ આરોપીઓ મુકેશ અને શાર્દૂલ દારૃનો મોટાપાયે ધંધો કરે છે : પાર્ક કરેલી કારમાંથી ૧.૬૩ લાખનો દારૃ કબજે
વડોદરા,સમા જલારામ મંદિર પાસેથી પીસીબી પોલીસે દારૃ ભરેલી એસ.યુ.વી. કાર સાથે એક આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે દારૃ સપ્લાય કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, સમા જલારામ મંદિર પાસે નવરચના કોમ્પલેક્સમાં રહેતો રવિકાંત ભવરસિંઘ રાજપૂત પોતાની કારમાં દારૃનો જથ્થો ભરીને લાવ્યો છે. તેણે કાર ઘર પાસે પાર્ક કરી છે. જેથી, પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા રવિકાંત રાજપૂત મળી આવ્યો હતો. તેને સાથે રાખી કારમાં તપાસ કરતા વિદેશી દારૃની ૬૪૮ બોટલ કિંમત રૃપિયા ૧.૬૩ લાખની મળી આવી હતી. દારૃ અંગે તેને પૂછતા જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો આજવા રોડ હનુમાનપુરામાં રહેતા શાર્દૂલ ભરવાડ પાસેથી લાવ્યો હતો. વડોદરામાં તે કોને દારૃ સપ્લાય કરતો હતો ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દારૃ, મોબાઇલ અને કાર મળી પોલીસે કુલ રૃપિયા ૬.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શાદૂલ ભરવાડ સામે અગાઉ ૧૨ ગુનાઓ નોંધાયા છે. તેમજ રવિકાંત સામે ત્રણ ગુનાઓ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, શાર્દૂલ ભરવાડ બાપોદ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હોવા છતાંય વડોદરામાં દારૃ સપ્લાય કરે છે. વોન્ટેડ આરોપીઓ શાર્દૂલ અને મુકેશ ધોબી સાથે મળીને ગ્રામ્ય વિસ્તારમાં દારૃનો ધંધો કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે શહેર પોલીસે રેડ કરતા ગ્રામ્ય વિસ્તારમાં તેઓનો દારૃનો ધંધો બંધ થઇ ગયો છે.