વાઘોડિયા રોડ પર ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો

પોલીસ સાથે માથાકૂટ કરનાર પિતા - પુત્રની સોસાયટીમાં જ આરોપી રહે છે

Updated: May 16th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડ પર ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો 1 - image

વડોદરા,વાઘોડિયા રોડ પર બૂટલેગરની બર્થડે ઉજવણીમાં પોલીસ સાથે માથાકૂટ કરનાર પિતા અને બે પુત્રો જે સોસાયટીમાં રહે છે. તે વિસ્તારમાં જ દારૃનો ધંધો કરનાર અન્ય એક બૂટલેગરને બાપોદ પોલીસે ઝડપી પાડી દારૃનો જથ્થો કબજે કર્યો છે. 

ચાર દિવસ પહેલા વાઘોડિયા રોડ પ્રભાત સોસાયટી નજીક બૂટલેગરની બર્થડે ઉજવણી વખતે પોલીસ સાથે માથાકૂટ કરનાર પાંચ આરોપીઓેને પોલીસે ઝડપી પાડયા હતા. જે પૈકી લાલી કહાર અને તેના બે  પુત્રો પણ સામેલ છે. આ ત્રણેય આરોપીઓ વાઘોડિયા રોડની ચંદ્રનગર સોસાયટીમાં જ રહે છે. આ  જ સોસાયટીમાં રહેતો અન્ય એક આરોપી અમિત લક્ષ્મણભાઇ રાણા વિદેશી દારૃનો ધંધો કરતો હોવાની માહિતી બાપોદ પોલીસને મળી હતી. અમિત રાણા પોતાના ઘરની પાછળ આવેલા  ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૃ વેચતો હોવાની માહિતીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા અમિત રાણા  મળી આવ્યો હતો. તેની પાસેથી વિદેશી દારૃની ૪ બોટલ મળી આવી હતી. પોલીસે તેની સામે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News