હોસ્પિટલની બહાર જ વિદેશી દારૃ વેચતો આરોપી ઝડપાયો
ચાયવાલા કેબિનમાં રેડ કરી આઇસ બોક્સમાં સંતાડેલો દારૃ કબજે કરતી પોલીસ
વડોદરા,એલેમ્બિક રોડ ભાઇલાલ અમીન હોસ્પિટલની બાજુમાં ચાય વાલાની કેબીનમાં જ વિદેશી દારૃ વેચાતો હતો. પોલીસે રેડ પાડીને આરોપીને ઝડપી પાડી દારૃ અને બિયરનો જથ્થો કબજે લીધો છે.
ગોરવા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, ભાઇલાલ અમીન હોસ્પિટલની બાજુમાં ચાયવાલા કેબિનમાં ચિરાગ ઉર્ફે પિન્ટો સદાશીવભાઇ ગુલવે ( રહે. મંગલદીપ સોસાયટી, ગોરવા હાઉસિંગ બોર્ડ) વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી ચિરાગ ઉર્ફે પિન્ટોને ઝડપી પાડયો હતો. પોલીસે તેને સાથે રાખી તપાસ કરતા લાલ કલરના આઇસ બોક્સમાંથી વિદેશી દારૃની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા હતા. તે ઉપરાંત તે પોતે દારૃના નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે તેની પાસેથી દારૃ અને બિયરનો ૧૦,૧૦૦ રૃપિયાનો જથ્થો, મોપેડ તથા મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૪૨,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.