ઓસ્ટ્રેલિયામાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સટ્ટો રમાડતો આરોપી પકડાયો
સટ્ટો રમવા માટે આઇ.ડી.આપનાર બે આરોપી વોન્ટેડ
ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી વુમન બીગ બેસ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટની મેચમાં સટ્ટો રમાડતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે સટ્ટો રમવા માટે આઇ.ડી.આપનાર બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, સયાજીગંજ પ્રિય લક્ષ્મી મિલની ચાલીમાં રહેતો ફારૃક હુસેનભાઇ સૈયદ હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી વુમન બીગ બેસ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેડ ટુર્નામેન્ટની મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે. અને હાલમાં તે નરહરિ સર્કલ પાસે બેઠો છે. પોલીસે સ્થળ પર જઇને ફારૃક ઉર્ફે આફ્રિદીને ઝડપી લીધો હતો. તેનો મોબાઇલ ફોન ચેક કરતા ક્રિકેટનો સટ્ટો રમવાની બે આઇ.ડી.મળી આવી હતી. આઇ.ડી. ચેક કરતા સિડની સિક્સર વુમન બીગ બેસ વિરૃદ્ધ એડિલેડ સ્ટ્રાઇકર્સ વચ્ચે રમાઇ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન રમવામાં આવેલા સટ્ટાનું તા.૧૨થી તા.૧૮ દરમિયાનનું હાર જીતનું લિસ્ટ હતું. ક્રિકેટ લાઇન ગુરૃ નામની એપ્લિકેશનમાં આવતા સ્કોર બોર્ડ જોઇને આરોપી સટ્ટો કરતો હતો.તેનું વોટ્સએપ ચેક કરતા એપ્લિકેશનમાં બાપુ લિયાકત બી તથા ખાલી આઇડી સુરેશ બી ના નામે સેવ કર્યા હતા. તેની બંને આઇ.ડી.માં ૮.૩૦ લાખનું બેલેન્સ હતું.
આઇ.ડી.બાબતે તેને પૂછતા જણાવ્યું હતું કે, એક આઇ.ડી. રિતેશ ઉર્ફે મોન્ટુ અગ્રવાલ ( રહે.કૃષ્ણપુરી સોસાયટી, માંજલપુર) તથા અન્ય એક આઇ.ડી. સૈયદ બાપુ ( રહે. તાંદલજા) પાસેથી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જુગારધારા મુજબનો કેસ નોંધી મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૧૩,૧૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.