ગાંજાના કેસનો ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડવા પોલીસે હાટબજારમાં લારીઓ કરી,ત્રણ દિવસે પકડાયાે
વડોદરાઃ વડોદરાના ગાંજાના કેસમાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડવા માટે વડોદરા એસઓજીએ નસવાડીના બજારમાં ખાણીપીણીની લારીઓ શરૃ હતી અને ત્રણ દિવસ બાદ તેને ઝડપી પાડયો હતો.
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ પહેલાં પોલીસે ૩ કિલો ગાંજો પકડયો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ નજીક ઉમઠી ગામે રહેતો રાધેશ ઠગલીયા રાઠવાનું નામ ખૂલતાં પોલીસ તેને શોધી રહી હતી.
એસઓજીના પીઆઇ વી એસ પટેલે વારંવાર ટીમો મોકલી હોવા છતાં આરોપી તેના ગામમાં કે અન્ય આશ્રય સ્થાનો પર મળતો નહતો.જેથી પોલીસે તેના વિશે માહિતી ભેગી કરતાં તે વારંવાર નસવાડીના બજારમાં ખરીદી કરવા માટે આવતો હોવાની માહિતી મળી હતી.
પોલીસે નસવાડીના બજારમાં પાણીપુરી, શાકભાજી અને નાળિયેરની લારી ઉભી કરી વોચ રાખતાં ત્રણ દિવસ બાદ આરોપી ખરીદી કરવા આવતાં પકડાઇ ગયો હતો.