વડોદરાની ખાનગી કંપનીના કન્ટેનરોમાંથી 4 કરોડનો માલ વગે કરવાના કેસનો આરોપી એરપોર્ટ પર પકડાયો
વડોદરાઃ વડોદરાની ખાનગી કંપનીના કન્ટેનરોમાંથી રૃ.૪ કરોડ નો માલ વગે કરવાના બનાવ અંગે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત એરપોર્ટ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
બાન્કો કંપનીના નેધર લેન્ડ તેમજ જર્મની ખાતે સપ્લાય કરવામાં આવેલા સાત કન્ટેનરોમાંથી માલ વગે કરવાના બનાવ અંગે વર્ષ-૨૦૨૩માં નોંધાયેલી ફરિયાદ અંગે ક્રાઇમ બ્રાન્ચે છ આરોપીઓની તપાસ હાથ ધરી હતી.
જે દરમિયાન કેરૃલ ચંદુભાઇ રૃડાણી (ઓપેરા પેલેસ,લસકાણા,સુરત) દુબઇ ફરાર થઇ ગયો હોવાથી તમામ એરપોર્ટને જાણ કરવામાં આવી હતી.કેરૃલ સુરત એરપોર્ટ આવતાં જ ઇમિગ્રેશન વિભાગે તેને અટકમાં લઇ વડોદરા પોલીસને જાણ કરતાં પોલીસે કેરૃલની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ સુરતની રામક્રિષ્ણા એલ્યુમિનિયમ કંપનીમાં માલ વેચી દીધો હોવાની વિગતો ખૂલી હતી.જેથી મુદ્દામાલ કબજે કરવા સહિતના મુદ્દે વધુ તપાસ કરવામાં આવી રહી છે.