બોટ કાંડના આરોપીઓને ભાગીદારી ભારે પડી, મકાનોને તાળાં મારી નાસભાગ મચી
વડોદરાઃ કાળજુ કંપાવી મૂકતા બોટ કાંડના બનાવમાં સંડોવાયેલા મોટા માથાં ફરાર થઇ જતાં પોલીસની ટીમો દ્વારા તેમને શોધવા છાપા મારવામાં આવી રહ્યા છે.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે,બોટ કાંડનો બનાવ ખૂબ જ દુખદ અને પીડાદાયક છે.આ બનાવમાં સંડોવાયેલા કોઇ પણ ચમરબંધીને છોડાશે નહિં.અમે કરારની વિગતો તપાસી તેનો ભંગ કરનારાઓને શોધી કાઢીશું.જે આરોપીઓના નામો જાહેર નથી થયા તેવા કસૂરદારોને પણ પકડવામાં આવશે.
તો બીજીતરફ વોન્ટેડ આરોપીઓને શોધવા માટે પોલીસની એક ડઝન ટીમો કામે લાગી છે.આરોપીઓના સરનામા મેળવી તેમના સંપર્ક સ્થાનોની તપાસ કરવામાં આવી રહી છે.કેટલાક શકમંદો તેમજ સબંધીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
જે આરોપી પકડાયા નથી તેઓ મકાનને તાળાં મારીને ફરાર થઇ ગયા છે.જેથી તેમના પર વોચ રાખવામાં આવી રહી છે.એરપોર્ટ ઓથોરિટીને પણ જાણ કરવાની તજવીજ કરવામાં આવી રહી છે.