મકરપુરા હાઇવે પર કાર ડ્રાઇવર પર હુમલો કરી લૂંટ ચલાવી આરોપીઓ ફરાર
પોલીસની ગાડી જોઇને ઇજાગ્રસ્ત ડ્રાઇવરે હાથ બતાવી કાર ઉભી રખાવી
વડોદરા,મકરપુરા હાઇવે પર મહાસાગર હોટલ નજીક મોડી રાતે લઘુશંકા માટે ઉભેલા ડ્રાઇવરને ત્રણ આરોપીઓએ પકડીને ડંડા વડે ખૂબ માર માર્યો હતો. આરોપીઓ ડ્રાઇવરનું પર્સ અને મોબાઇલ ફોન લૂંટી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના જીટોડિયા ગામની બાજુમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી અંદર ક્વાટર્સમાં રહેતો ગૌતમકુમાર રતિલાલ ચૌહાણ ડ્રાઇવિંગ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું આણંદની એ.જી. ટ્રાવેલ્સમાં નોકરી કરૃં છું. ટ્રાવેલ્સમાં જણાવ્યા મુજબ, અલગ - અલગ જગ્યાએ ગાડી લઇને મારે જવાનું હોય છે. હાલમાં બે દિવસથી વડોદરા ચકલી સર્કલ ખાતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં અધિકારીઓને લેવા મૂકવા માટે મને કાર આપી છે. ગઇકાલે રાતે સાડા અગિયાર વાગ્યે નડિયાદથી ઇન્કમટેક્સ અધિકારીઓને લઇને નીકળ્યો હતો અને રાતે એક વાગ્યે ચકલી સર્કલ પહોંચ્યો હતો. એક અધિકારીને ત્યાં ઉતારીને અન્ય એક અધિકારીને મકરપુરા એરફોર્સ સ્ટેશન ખાતે ઉતારીને ત્યાંથી હાઇવે પર કાર લઇને નીકળી ગયો હતો. મહાસાગર હોટલ પાસે જય લક્ષ્મી ટાયર્સ નામની દુકાનની નજીક હું કાર ઉભી રાખીને લઘુશંકા માટે ઉતર્યો હતો. તે દરમિયાન અંધારામાંથી એક આરોપીએ આવીને મને બાથ ભરી લીધી હતી. બીજાએ મારા પગ પકડી લીધા હતા. જ્યારે ત્રીજા આરોપીએ મારૃં મોેંઢું દબાવી દીધું હતું. તેઓએ મને માર મારી પૈસાની માંગણી કરી હતી. તેઓએ મારૃં પર્સ ચેક કર્યુ હતું. પરંતુ, તેમાં માત્ર ૧૦૦ રૃપિયા જ હતા. તેઓએ ડંડા વડે મને આડેધડ માર માર્યો હતો. એક ડંડો મારા કાનની નીચે વાગતા મારી આંખો બંધ થઇ ગઇ હતી. તેઓ મારૃં પર્સ અને મોબાઇલ ફોન લઇને ભાગી ગયા હતા. હું માંડ - માંડ કાર પાસે ગયો હતો. કાર ચાલુ કરીને હું થોડે આગળ જતો હતો ત્યારે પોલીસની ગાડી આવતા મેં હાથ બતાવી પોલીસની ગાડી ઉભી રખાવી હતી. પોલીસને મેં સમગ્ર ઘટના જણાવી હતી.
પર્સ અને મોબાઇલ ફોનની લૂંટ : પર્સમાં માત્ર ૧૦૦ રૃપિયા હતા
વડોદરા,ડ્રાઇવરે પોલીસને કહ્યું હતું કે, હું જ્યાં ઉભો હતો ત્યાં અંધારૃં હોવાથી આરોપીઓને બરાબર જોઇ શક્યો નહતો. એક આરોપીએ પીળા કલરનું શર્ટ પહેર્યુ હતું. આરોપીઓ જેે પર્સ લઇ ગયા તેમાં રોકડા માત્ર ૧૦૦ રૃપિયા જ હતા. તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો હતા. આરોપીઓએ કરેલા હુમલામાં માથા, ડાબા કાન, જમણા પગે ઢીંચણ પર ઇજા થઇ હતા. જમણા પગે મને ફ્રેક્ચર થયું હતું.