રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના ૫૫ ફૂટ ઊંચા પૂતળામાં ૫૦૦ સૂતળી બોમ્બ, અનાર, ફૂલજડી ભરાય છે
આગ્રાના ૨૪ કારીગરોએ તૈયાર કરેલા પૂતળા પોલો ગ્રાઉન્ડ પર ક્રેનથી ઊભા આજે રાત્રે રાવણદહન
વડોદરા,વડોદરામાં દશેરા પર્વે પોલોગ્રાઉન્ડ ખાતે રાતે રાવણદહનનો કાર્યક્રમ યોજવા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. આ માટે સ્થળ પર રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળા ઊભા કરવાની કામગીરી રાતે પૂર્ણ કરવામાં આવી હતી.
વડોદરામાં જીઆઇડીસી ખાતેના એક શેડમાં આગ્રાથી આવેલા ૨૪ કારીગરો છેલ્લા ઘણા સમયથી આ પૂતળા તૈયાર કરવામાં લાગ્યા હતા. વાંસ, કાગળ, કપડા તથા સ્ક્રેપમાંથી આ પૂતળા બનાવવામાં આવ્યા છે. જેને આજે બપોરે સ્થળ પર લાવીને ક્રેનથી ઊભા કર્યાં હતાં. બાદમાં તેમાં સૂતળી બોમ્બ, અનાર, ફૂલજડી વગેરે ભરવામાં આવે છે. આશરે ૫૦૦ સૂતળી બોમ્બ ત્રણેય પૂતળામાં ભરાશે. એક પૂતળામાં સરેરાશ ૧૫૦ થી સૂતળી બોમ્બ ભરાય છે. આ પૂતળાથી ઊંચાઇ ૫૫ ફૂટની છે. મોડી રાતે અને બુધવારની સવારે તેમાં આ દારૃ ગોળો ભરાશે. રાતે પૂતળા દહન સાથે આશરે ૩૦ મિનિટ સુધી આતશબાજી માણી શકાશે. રાવણદહન પૂર્વે આશરે અઢી કલાકની રામલીલાનું મંચન કરવામાં આવશે.