વડોદરાના કમાટીબાગના પ્લેનેટેરીયમમાં 47 વર્ષ જૂનું સ્પેસ માસ્ટર પ્રોજેક્ટર ઠપ

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
વડોદરાના કમાટીબાગના પ્લેનેટેરીયમમાં 47 વર્ષ જૂનું સ્પેસ માસ્ટર પ્રોજેક્ટર ઠપ 1 - image

- રનીંગ શો દરમિયાન જ પ્રોજેક્ટર બંધ થઈ જતા છેલ્લા દોઢ માસથી અવકાશ દર્શન ના કાર્યક્રમ બંધ

- જૂની ટેકનોલોજી ધરાવતા આ પ્રોજેક્ટર ના પાર્ટ અને રીપેર માટે ટેકનિશિયન મળતા નથી

- નવા પ્રોજેક્ટર માટે 10 થી 15 કરોડનો ખર્ચ થાય તેમ છે

વડોદરા,તા.30 ઓક્ટોબર 2023,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગના પ્લેનેટેરીયમમાં 47 વર્ષ પૂર્વે વસાવેલું સ્પેસ માસ્ટર પ્રોજેક્ટર ટેકનિકલ કારણોસર છેલ્લા દોઢ મહિનાથી બંધ હાલતમાં છે. જેના કારણે પ્લેનેટેરીયમ ખાતે આવતા સહેલાણીઓ અવકાશી જ્ઞાનનો પ્રોગ્રામ જોઈ શકતા નથી. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પણ આ પ્રોજેક્ટર બંધ થયું હતું અને દોઢ-બે મહિના પ્રોગ્રામ બંધ રાખવા પડ્યા હતા. છેવટે આ મશીન રીપેર કરવું શક્ય બનતા તેનો ટ્રાયલ રન લીધા બાદ ચાલુ કરવામાં આવ્યું હતું અને પાંચ છ મહિના સુધી મશીન બરાબર ચાલ્યું પણ હતુ, દોઢ મહિના અગાઉ રનીંગ શો દરમિયાન પ્રોજેક્ટર કામ કરતું બંધ થઈ ગયું હતું. સ્પેસ માસ્ટર પ્રોજેક્ટર કે જે જાણીતી જર્મન કંપનીનું છે અને તે 1974 મોડલનું છે. જે તે સમયે આ પ્રોજેક્ટર બહુ કીમતી ગણાતું હતું, પરંતુ ત્યારબાદ ટેકનોલોજીમાં ધરખમ બદલાવ આવી ગયો છે. હાલમાં આ પ્રોજેક્ટર જૂની ટેકનોલોજીનું થઈ ગયું છે. હવે ડિજિટલ ટેકનોલોજી આવી ગઈ છે. ભારતમાં બે પ્લેનેટેરીયમમાં તો આવી વર્ષો જૂની ટેકનોલોજી ધરાવતા પ્રોજેક્ટરને મ્યુઝિયમમાં મૂકી દેવાયું છે. અગાઉ વડોદરાના એક ટેકનીશીયન દ્વારા આ પ્રોજેક્ટર રીપેર કરાયું હતું, પરંતુ માંડ પાંચ છ મહિના ચાલી શક્યું છે આ પ્રોજેક્ટર જૂની ટેકનોલોજીનું હોવાથી તેના પાર્ટસ અને ટેકનિશિયન પણ મળવા મુશ્કેલ છે. હાલમાં આ પ્રોજેક્ટરને રીપેર કરવાનો પ્રયાસ થાય છે, પરંતુ ફોલ્ટ હજુ પકડાતો નથી. જોકે ઓઇલ લીકેજ થતું હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. 

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ ચાલુ શો દરમિયાન  પ્રોજેક્ટર ટેકનીકલ કારણોસર બંધ થઈ ગયું હતું. કોર્પોરેશનને જો હવે નવું પ્રોજેક્ટર લેવું હોય તો આશરે 10 થી 15 કરોડનો ખર્ચ થાય તેમ છે . આટલો મોટો ખર્ચ કોર્પોરેશન હાલ કરે તેમ લાગતું નથી ,કારણ કે કોર્પોરેશનને આ કાર્ય પ્રાયોરિટીનું લાગતું નથી. આટલા મોટા ખર્ચ માટે કોર્પોરેશનએ વિશેષ કોઈ ગ્રાન્ટ કે સહાયનો પ્રબંધ કરવો પડશે. હજુ તાજેતરમાં સ્ટેન્ડિંગ સમિતિમાં કમાટી બાગના પ્રાણીસંગ્રહાલયમાં આકર્ષણ વધારવા પોર્કયુપાઇન અને સિવેટ કેટ ના પાંજરા બનાવવાનું 3.74 કરોડનું કામ પ્રાયોરિટીમાં ન લાગતા કોઈ નિર્ણય લીધો ન હતો. હાલનું આ સ્પેસ માસ્ટર પ્રોજેક્ટર વડોદરામાં અક્ષાંશ અને રેખાંશ તેમજ તારા, નક્ષત્ર અને ગ્રહોની દિશા ધ્યાનમાં રાખીને સેટ કરાયું છે. પ્લેનેટોરિયમમાં આવતા લોકો માટે નવું પ્રોજેક્ટર કોર્પોરેશન જ્યારે ખરીદશે ત્યારે હાલના આ 47 વર્ષ જુના પ્રોજેક્ટરને ડિસ્પ્લેમાં મૂકી દેવું પડશે તેવી હાલત છે.



Google NewsGoogle News