રણછોડજી મંદિરની 180 વર્ષ જૂની પિત્તળની તોપ પરીક્ષણમાં ખરી ઉતરી
નવલખી મેદાન શનિવારે બપોરે તોપના ધડાકાથી ગુંજી ઉઠયું
વડોદરા : શનિવારે નવલખી મેદાન પર રાજાશાહી વખતના દ્રશ્યો તાજા થયા હતા. પિત્તળની તોપને મેદાનની વચ્ચે ગોઠવવામાં આવી હતી અને પછી તેમાં દારૃગોળો ભરીને ધડાકો કરવામાં આવ્યો હતો. તોપના આ ધડાકો કોઇને સલામી આપવા નહી પરંતુ કે તોપ સુરક્ષિત છે કે નહી તે સાબિત કરવા માટે વહિવટી તંત્ર, સુરક્ષા તંત્ર અને ન્યાય તંત્રની હાજરીમાં કરવામાં આવ્યા હતા. ધડાકાઓ બાદ રણછોડજી મંદિરની આ તોપ સુરક્ષિત હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યુ છે. હવે આખો મામલો કોર્ટના નિર્ણય ઉપર નિર્ભર છે.
શહેરના એમ.જી.રોડ પર આવેલા પ્રાચીન રણછોડજી મંદિરમાં ૨૯ વર્ષ પહેલા દેવ દિવાળી નિમિત્તે નીકળતા વરઘોડામાં તોપ ફોડીને રાજા રણછોડજીને સલામી આપવાની પરંપરા હતી. જો કે ૧૯૯૬માં તોપના ધડાકા વખતે તણખા ઝરતા બે ત્રણ ભક્તો દાઝી ગયા હતા જે બાદ પોલીસના નેગેટિવ રિપોર્ટના કારણે તોપ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.આ મામલે મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે કોર્ટમાં પહોંચ્યા હતા અને છેલ્લા ૨૯ વર્ષથી તેઓ તોપ પર લાગેલો પ્રતિબંધ ઉઠાવીને ૧૫૦ વર્ષ જૂની પરંપરા ફરીથી શરૃ કરવા માટે જંગ લડી રહ્યા છે.
કોર્ટ કમિશનર, પોલીસ અધિકારીઓ, એફએસએલ અધિકારીની હાજરીમાં તોપમાંથી ધડાકો કરાયો, હવે કોર્ટના નિર્ણય પર લોકોની નજર
આ કેસમાં કોર્ટના આદેશથી આજે બપોરે નવલખી મેદાનમાં તોપનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. પોલીસ અધિકારીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, એફએસએલ અધિકારી, સરકારી વકીલ જીગ્નેશ કંસારા અને કોર્ટ કમિશનર કૌશિક ભટ્ટ અને નેહલ દવેની હાજરીમાં પરીક્ષણ શરૃ કરવામાં આવ્યુ હતું. લગભગ ૧૮૦ વર્ષ જૂની આ પિત્તળની તોપ ફોડવાનો અનુભવ એકમાત્ર મંદિરના પુજારી જનાર્દન મહારાજ પાસે જ હોવાથી તેઓએ તોપમાં દારૃગોળો ભર્યો હતો અને પછી તોપના નાળચાના છેડે લગાવેલી વાટમાં અગરબત્તી ચાંપતા જ ધડાકો થયો હતો. વિસ્ફોટના કારણે હવામાં લગભગ ૪૫ ફૂટ સુધી અંગાર ફેકાયો હતો અને ધુમાડાના ગોટા નીકળ્યા હતા.ધડાકો સુરક્ષિત થયો હતો અને કોઇ પણ પ્રકારની દુર્ઘટના થઇ નહતી. પરીક્ષણ બાદ એફએસએલના અધિકારીએ તોપની ચકાસણી કરી હતી. હવે કોર્ટ કમિશનર આ પરીક્ષણનો રિપોર્ટ કોર્ટમાં જમા કરાવશે જેના આધારે કોર્ટ આખરી નિર્ણય જાહેર કરશે.
ફ્લેર ૪૫ મીટર ઊંચાઇએ જાય છે, તોપના ધડાકા વખતે ૬ મીટરની ત્રિજ્યામાં વિસ્ફોટ અને ધુમાડો ફેલાયો હતો
પરીક્ષણ વખતે હાજર અધિકારીઓએ નોંધ્યુ કે પાંચ થી છ મીટરની ત્રિજ્યામાં વિસ્ફોટ અને ધુમાડો ફેલાય છે તથા ફ્લેમ લગભગ ૪૦ થી ૪૫ મીટર ઊંચાઇએ જાય છે જેના પગલે અધિકારીઓએ સુરક્ષા સંબંધિત કેટલાક સૂચન પરીક્ષણ રિપોર્ટમાં નોંધ્યા છે.
જેમ કે જો વરઘોડા વખતે તોપ ફોડવામાં આવે તો ફાયર બ્રિગેડને હાજર રાખવુ, એમ્બ્યુલન્સ અને ડોક્ટર હાજર હોવા જોઇએ, તોપના ૫૦ મીટર વિસ્તાર ખાલી હોવો જોઇએ, દારૃગોળો ખુલ્લામાં ના હોવો જોઇએ, પોલીસ બંદોબસ્ત હોવો જોઇએ. ઉલ્લેખનીય છે કે આજે તોપ પરીક્ષણમાં નાળચામાં લગાવેલી વાટ નાની હોવાથી પહેલા ધડાકા વખતે અગરબત્તી અડાવતા જ ધડાકો થઇ ગયો હતો. જેના પગલે નાળચાની વાટ લાંબી રાખવાનું સૂચન પણ કરવામાં આવ્યુ છે. પરીક્ષણનો રીપોર્ટ કોર્ટમાં તા.૩૦મી જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે.