૧૭ વર્ષની કિશોરીને કાકીએ ઠપકો આપતા ઘર છોડીને જતી રહી
ઘરેથી જતા પહેલા દસ્તાવેજો સાથે લઇ ગઇ : અપહરણની ફરિયાદ
વડોદરા, કાકાના ઘરે નાનપણથી રહેતી ૧૭ વર્ષની કિશોરી ઘરેથી કોઇને કશું કહ્યા વિના પોતાના દસ્તાવેજો લઇને જતી રહી હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી છે.
શહેરના અતિ સંવેદશનશીલ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની કિશોરી નાનપણથી જ તેના કાકા સાથે રહેતી હતી. કિશોરી ખાનગી યુનિવર્સિટીમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. કાકીએ બે દિવસ પહેલા તેને નજીવી બાબતે ઠપકો આપતા તે ઘર છોડીને માસીના ઘરે જતી રહી હતી. ગઇકાલે સવારે કિશોરી મોબાઇલ પર કોઇની સાથે ચેટિંગ કરતી હતી. જેથી, તેના પિતરાઇ ભાઇએ મોબાઇલ ફોન લઇને પોતાની બેગમાં મૂકી દીધો હતો. ત્યારબાદ સાંજના સમયે કિશોરી ઘરે કોઇને કશું કહ્યા વિના જતી રહી હતી. ઘરની આજુબાજુ તથા સગા સંબંધીની ત્યાં તપાસ કરતા તે મળી આવી નહતી. કિશોરી મોબાઇલ ફોન, પોતાના દસ્તાવેજો લઇને ઘરેથી જતી રહી હતી. બનાવ અંગે કાકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી મોબાઇલ ફોનના આધારે કિશોરીની શોધખોળ હાથ ધરી છે.