144 વર્ષ જુના જુમ્માદાદા વ્યાયામ મંદિરમાં એક સદી પછી નવા નિયમો લાગુ કરાયા

તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખવા અખાડામાં ૧૩ સી.સી.ટીવી લગાવાયા, મલખંભના પ્રશિક્ષકે નિયમોનો વિરોધ કરીને તાલીમ બંધ કરી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
144 વર્ષ જુના જુમ્માદાદા વ્યાયામ મંદિરમાં એક સદી પછી નવા નિયમો લાગુ કરાયા 1 - image


વડોદરા : વડોદરાની ૧૪૪ વર્ષ જુના જુમ્માદાદા વ્યાયામ મંદિર(પ્રો.માણિકરાવનો અખાડો)માં બંગાળની ઘટના બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉપરાંત, હવે આ સંસ્થાએ નવા યુગના ડિજિટલ વાઘા પણ પહેર્યા છે. જો કે અત્યાર સુધી ૧૦૦ વર્ષ જૂના નિયમો પ્રમાણે ચાલતી પરંતુ સમયની સાથે હવે નિયમો બદલવાની જરૃર પડતા આ ઐતિહાસિક સંસ્થામાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેના પગલે કેટલાક લોકોના પેટમાં દુઃખવા લાગતા વિરોધ કરી રહ્યા છે, પરંતુ ટ્રસ્ટીઓ હવે તેને સંસ્થામાંથી બહારનો રસ્તો બતાવાની તૈયારી કરી ચૂક્યા છે.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્ર હરપલે અને કારોબારી સભ્ય ચિરાયુ પંડીતનું કહેવું છે કે રાજ્યના સામાન્ય લોકો પણ વ્યાયામ અને ખેલમાં જોડાય તે હેતુથી કુસ્તીના પહેલવાન જુમ્માદાદાના કહેવાથી મહારાજ સયાજીરાવ ગાયકવાડે આ અખાડાની સ્થાપના સન ૧૮૮૦માં કરી હતી. ૧૪૪ વર્ષથી ચાલતી આ સંસ્થામાં જે તે સમયે નિયમો બનાવ્યા હતા તે પ્રમાણે ચાલતી હતી મતલબ કે સંસ્થા ઉપર ટ્રસ્ટીઓનો કોઇ કન્ટ્રોલ રહ્યો નહતો. અહી મલખંભ,કબડ્ડી,ખો-ખો અને કરાટેની તાલીમ આપવામા આવે છે. અગાઉ કુસ્તી પણ થતી હતી જે હવે બંધ છે. પરંતુ આ ખેલ માટે આવતા તાલીમાર્થીઓનેે શિક્ષકો દ્વારા મનફાવે ત્યારે અને ઇચ્છા થાય તે સમયે બોલાવવામાં આવતા હતા. મોડી રાત સુધી શિક્ષકો યુવતિઓ સાથે તાલીમમાં વ્યસ્ત રહેતા હતા. કોલક્તામાં રેપ વીથ મર્ડરની ઘટના બાદ ટ્રસ્ટીઓએ નિયમોમાં ફેરફાર લાવવાનું નક્કી કર્યુ અને સૌ પ્રથમ અખાડામાં ૧૩ સી.સી.ટીવી કેમેરા લગાવવાથી થઇ. આ કેમેરા લાગતા જ સંસ્થામાં ચાલતી અન્ય અવ્યવસ્થાઓ પણ નજરે પડવા લાગી એટલે નવા નિયમો ઘડવામાં આવ્યા.

આ નિયમો લાગુ પડતા જ ગણેશોત્સવ પહેલા વિવાદ શરૃ થઇ ગયો અને મલંખભના પ્રશિક્ષકે આ નિયમો માનવાની ના પાડીને તાલીમ બંધ કરી દેતા છેલ્લા ૧૨ દિવસથી મલખંભની તાલીમ બંધ થઇ ગઇ છે. જો કે અન્ય ખેલના શિક્ષકોએ નવી આચાર સંહિતાને અપનાવીને તેઓએ સહી કરીને સહમતી પણ આપી દીધી છે. અમારી પ્રાથમિક્તા વ્યાયામ અને ખેલ પ્રશિક્ષણની સાથે મહિલાઓની સુરક્ષા પણ છે. અખાડાની પ્રથમ શરત જ શિસ્ત છે. નિયમોમાં કોઇ બાંધછોડ કરવામાં આવશે નહી.

અખાડાના નવા નિયમો આ મુજબ રહેશે

- સંસ્થામાં સોમથી શનિ સુધી સાંજે ૬ થી ૮ દરમિયાન જ પ્રશિક્ષણ થશે..

- શિક્ષકે તાલીમાર્થી સાથે કોઇ પ્રકારની ધમકી કે બળજબરી કરવી નહી.

- તાલીમ દરમિયાન શારીરિક સ્પર્શ ટાળવો.

- યૌન શોષણ, છેડતી, અનુચિત ઇશારાઓ અને અભદ્ર શબ્દ પ્રયોગ ઉપર શક્ત પ્રતિબંધ

- પ્રશિક્ષણ દરમિયાન બહારના કોઇ વ્યક્તિને પ્રવેશ આપવો નહી.

- સંસ્થાની જાણ વગર સંસ્થાની બહાર યોજાતા કોઇ પણ કાર્યક્રમો અને ઘટના અંગે સંસ્થાની જવાબદારી રહેશે નહી.


Google NewsGoogle News