અમૂલમાંથી છુટા કરાયેલા ઠાસરા તાલુકાના કર્મીઓ આંદોલન કરશે
ડાકોરમાં છુટા કરાયેલા ૧૦૫ કર્મચારીઓ એકત્ર થયા
અચાનક નોકરીમાંથી કાઢી મૂકી અમૂલે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના આક્ષેપ
આણંદ : અમૂલમાંથી અચાનક છુટા કરાયેલા ઠાસરા પંથકના ૧૦૫ જેટલા કર્મચારીઓ ડાકોર ખાતે એકત્ર થયા હતા. જ્યાં અમૂલે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી. તેમજ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
અમૂલ પ્રશાસન દ્વારા ઠાસરા પંથકના કર્મચારીઓને રાતોરાત
નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા હતા. જેને લઈ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
જેથી ડાકોરના ડાકોર-ઉમરેઠ રોડ પર ભવન્સ કોલેજ સામે ખુલ્લા કેમ્પસમાં અમૂલમાંથી
છુટા કરાયેલા ૧૦૫ કર્મચારીઓ એકત્ર થયા હતા. ભાજપના આંતરિક કલહમાંથી અમૂલના
કર્મચારીઓની મદદમાં આવવા અને કર્મીઓને ન્યાય અપાવવા અપીલ કરી હતી. તેમજ
કર્મચારીઓને કોઈ વાંકગુના વિના,
નોટિસ આપ્યા વગર રાતોરાત ફોન કરી છુટા કરી દેવાતા કાયદાનું ઉલ્લંઘન કર્યું
હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ અમૂલ દ્વારા આ રીતે અન્યાય કરવામાં આવશે તો ઉગ્ર
આંદોલન કરવામાં આવશે તેવી કર્મચારીઓએ ચિમકી ઉચ્ચારી હતી. આ અંગે અમૂલ ડેરીના
વર્તમાન ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું હતું કે, દાણ યુનિટમાં ૩૫૦ જેટલા કર્મચારીઓનો સ્ટાફ વધારાનો હોવાથી આ
લોકોને છુટા કરવામાં આવ્યા છે. હજૂ પણ કેટલાક બીજા કર્મચારીઓને છુટા કરવાના છે.