ઠાસરામાં કોઈએ કુવેચ ઘસતા હોમગાર્ડ જવાનને ખંજવાળ ઉપડતા મુશ્કેલી
- કોરોના વાઈરસની ગંભીર બીમારી વચ્ચે
- જવાને તાત્કાલિક છાણ ઘસી સ્નાન કરી લેતા રાહત ટીખળી કરનાર સામે ધિક્કારની લાગણી જન્મી
ઠાસરા,તા. 12 એપ્રિલ 2020, રવિવાર
કોરોના સંક્રમણ અટકાવવા માટે કરેલો લોકડાઉનના ચુસ્ત અમલ માટે ઠાસરામાં ફરજ પરના એક પોલીસ સાથે કોઇ ટીખળબાજે ટીખળ કરી હતી. ઠાસરા પાલિકા વિસ્તારમાં અનેક પોઇન્ટ પર પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. આ સમયે ગામના અસામાજિક તત્ત્વોએ રસ્તા પર બેસવાના પથ્થર પર કુવેચઘસતા એક હોમગાર્ડ જવાનને ખંજવાળ ઉપડી હતી.જો કે આ જવાને નજીકના ઘરમાં જઇ છાણથી ન્હાતા ખંજવાળ જતી રહી હતી. પરંતુ આ ચિંતામય વાતાવરણમાં કોઇ સ્થાનિક રહીશ દ્વારા આવું કરાતા પોલીસોમાં રોષ વ્યાપ્યો હતો.
ઠાસરા પાલિકા વિસ્તારમાંથી ઔરંગપુરા ચોકડી જવાના રસ્તા પર પોલીસ પોઇન્ટ ગોઠવવામાં આવ્યો છે. આ પોઇન્ટ પર પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત છે.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનનો ચૂસ્તપણે અમલ કરાવવામાં આવે તે માટે આ જવાનો ચોવીસ કલાક ભર તાપમાં અને રાત્રે પણ ફરજ બજાવતા હોય છે.આજરોજ આ પોઇન્ટ પર એક વિચિત્ર ઘટના ઘટી હતી.જેમાં ગામના કોઇ સ્થાનિક કોઇ ટીખળબાજે બેસવાના પથ્થર પર કુવેચ ઘસી હતી. આજે સવારે ફરજ પર હાજર થયેલ કર્મચારીઓને આ અંગેની જાણ ન હતી.
બપોરના સમયે ફરજ પરનો એક હોમગાર્ડ જવાન આ પથ્થર બેઠો હતો.અચાનક તેણે આખા શરીરે ખંજવાળ ઉપડી હતી.જેથી હોમગાર્ડ જવાનને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો અને તે ગામમાં આવેલ ભાથીજીમંદિરના સોલંકી ફળિયામાં જઇ ભેંસના છાણથી સ્નાન કરી લીધું હતું. આ બાદ શરીર પરની ખંજવાળ દુર થઇ હતી.આ ઘટના બાદ નજીકના રહેણાંક ઘરોમાંથી પાણી લાવી પોઇન્ટ પરના બઘા પથ્થરો ધોવામાં આવ્યા હતા.આમ કોઇ ટીખળ બાજની હસી મજાક હોમગાર્ડ જવાન માટે આફતરૂપ બની હોય તેમ સુત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ.