થેલેસેમીયાગ્રસ્ત યુવતીને લોહી ચડાવાયા બાદ મોત, સિવિલની બેદરકારીનો આક્ષેપ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં
તબિબી અધિક્ષકે પાંચ ડોકટરોની કમિટી બનાવી બે દિવસમાં રીપોર્ટ આપવા સૂચના આપી
ભોગ બનેલી વીધીની માતા ચેતનાબેને જણાવ્યું કે તેની પુત્રી
વીધી છ માસની હતી ત્યારથી જ
થેલેસેમીયાગ્રસ્ત છે. ગઈ તા.૧૪,૧પ અને
૧૬ એમ ત્રણ દિવસ તેને સિવિલમાં લોહી ચડાવાયું હતું. ગઈ તા.૧૬મીએ તેને તબિબે રજા
આપી દિધી હતી.
બીજા દિવસે તેની તબિયત લથડી હતી અને તેના પગ અને અન્ય
ભાગોમાં ચાંભા પડી ગયા હતા. જેથી તેને સિવિલમાં લઈ જતાં તબિબે તપાસ કર્યા બાદ
ગેસની તકલીફ હોવાનું કહી દવાઓ આપી રવાના કરી દીધા હતા.
ઘરે લઈ ગયા બાદ વીધીની તબિયત વધુ લથડતાં તેને ફરીથી સિવિલ
લઈ આવ્યા હતા, તે વખતે
વીધી બરાબર ચાલી પણ શકતી ન હતી. ડોકટરોએ
સોનોગ્રાફી સહિતના રીપોર્ટ કરાવ્યા બાદ તેને એડમીટ કરી હતી. પરંતુ તે પહેલા
ડોકટરોએ અહીંથી ત્યાં જાવ તેમ કહી બહુ
ધકકા ખવડાવ્યા હતા. આખરે ગઈકાલે સવારે વીધીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
ચેતનાબેને સિવિલના તંત્રએ યોગ્ય સારવાર નહીં કરતા પુત્રીનું મોત નિપજયાનો
ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.
જેના પગલે સિવિલના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તત્કાળ
અસરથી સિવિલના અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ પાંચ ડોકટરોની એક કમિટીની રચના કરી છે.
જેને ખરેખર કયાં કારણથી મૃત્યુ થયું હતું,
સારવારમાં કે બ્લડ ચડાવવામાં કોઈ બેદરકારી દાખવાઈ હતી કે કેમ તે સહિતના મુદ્દે
તપાસ કરવા કહેવાયું છે.
એવા આક્ષેપો થઈ રહ્યા છે કે સિવિલમાં થેલેસેમીયાગ્રસ્ત દર્દીઓને એલ.આર. ફિલ્ટર વગરનું બ્લડ ચડાવી દેવાય છે, આ કિસ્સામાં પણ તેમ થતાં વિધીનું મોત થયાના આક્ષેપો થઈ રહ્યા છે. જે અંગે સિવિલના અધિક્ષક ત્રિવેદીએ જણાવ્યું કે રાજય અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જ દર્દીઓને લોહી ચડાવાય છે. હાલ સિવિલ પાસે એલ.આર. મશીન નથી પરંતુ મશીનનું કામ મેન્યુઅલી થાય છે, મશીન માટે વખતોવખત સંબંધીત જગ્યાએ રજૂઆતો કરાઈ છે જોકે મશીન હજુ ફાળવાયું નથી.