સતત પાંચમા દિવસે સુરત પાલિકાની સીલીંગની કામગીરી ચાલુ : ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ સહિત સિનેમાઘરોને સીલ મરાયા
Fire Safety Drive in Surat : ગત શનિવારે રાજકોટમાં બનેલી ગેમ ઝોન દુર્ઘટના બાદ આજે સતત પાંચમા દિવસે સુરત પાલિકાએ શહેરમાંથી બીયુ .પરમિશન અને ફાયર એન.ઓ.સી. વિનાની મિલકત સીલીંગની કામગીરી હાથ ધરી છે. આજે સુરત પાલિકાએ ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ સહિત સિનેમાઘરોને સીલ કરવાની કામગીરી કરી હતી. પાલિકાના ફાયર વિભાગે ફાયર NOC અને BUC સર્ટિફિકેટ ન હોય તેવી મિલ્કતો શોધી શોધીને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ શહેરમાં આવી મિલ્કતોનો રાફડો ફાટ્યો હોય તેમ પાંચમાં દિવસે પણ આવી મિલકત બહાર આવી રહી છે.
ગત રવિવારથી સુરત પાલિકાએ તમામ ઝોનમાં ટીમ બનાવીને ફાયર વિભાગની એન.ઓ.સી. અને બીયુ પરમીશન ન હોય તેવી મિલ્કત સાથે સાથે અન્ય ખામીઓ હોય તેવી મિલકત શોધીને તેની સામે કામગીરી હાથ ધરી છે. આજે પાંચમા દિવસે સુરત પાલિકાએ લિંબાયત ઝોનમાં કમેલા દરવાજા પાસે આવેલ જે.ડી. ટેક્સટાઈલ માર્કેટ, સોમેશ્વર ટેક્સટાઈલ માર્કેટ અને છ પુઠાના ગોડાઉન સીલ કર્યા છે. આ ઉપરાંત રાંદેર ઝોનમાં ગેલેક્ષી સર્કલ પાસે લા પેન્તોલા ફુડ કોર્ટ, પાલ રોડ પર રેસ્ટોરન્ટ કોરિડોર અને સારસ્વત કો.ઓ. બેંકને સીલ કરવામાં આવી છે.
પાલિકાના અઠવા ઝોનમાં રિજિયન આર્કેડ ખાતે આવેલ સીએ કોચિંગ ક્લાસ, મહાવીર કોલેજ રોડ ખાતે આવેલ ઓફિસ બિનેસ હબની 205 દુકાનો અને તેમાં આવેલ ચાર હોટલ અને એક જીમને સીલ કરવામાં આવી છે. આ સિવાય વેસુ કેનાલ રોડ પર આવેલ 9 હાઈ સ્ટ્રીટમાં ત્રણ ટ્યુશન ક્લાસ અને મગદલ્લા ગામમાં આવેલ રાજ મંદિર કોનર્ર પણ સીલીંગ કરવામાં આવ્યું છે. વરાછા ઝોન-એમાં કુબેર નગર ખાતે આવેલ વન્ડરફુલ એકેડેમી સ્કુલ અને કતારગામ ઝોનમાં ડભોલી રોડ ખાતે આવેલ શિવાલિક કોમ્પલેક્ષની 133 દુકાન સીલ કરવામાં આવી છે. આ કોમ્પલેક્ષમાં એક હોસ્પિટલ સહિત બે હોટલ અને 2 કોચિંગ ક્લાસીસને પણ સીલ કરવામાં આવે છે. ઉપરાંત પાલિકાના ઉધના ઝોનમાં મહાલક્ષ્મી માર્કેટ ખાતે આવેલ વર્ધમાન હોસ્પિટલ, પાર્ક પ્રસુતિ ગૃહ, ડો. સ્પાઈન ક્લીનીક, વર્ધમાન મેડિકલ સ્ટોર અને ટ્યુશન ક્લાસ સહિત 94 દુકાન સીલ કરવામાં આવી છે.