ગોરવામાં વાંદરાની ટોળકીનો આતંક : અગાશી પર સૂતા બાળક સહિત બે ને બચકા ભર્યા
વાંદરાની ટોળકીના આતંકના પગલે સમગ્ર ગોરવા વિસ્તારમાં ભયનો માહોલ
વડોદરા,ગોરવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અગાશી પર સૂતા પિતા - પુત્રને વાંદરાની ટોળકીએ બચકા ભરતા ભયનો માહોલ ઉભો થયો છે. પિતાનેે પગે ૧૮ ટાંકા આવ્યા છે. આ વિસ્તારમાં વાંદરાઓની ટોળકીના કારણે લોકો અગાશી પર સૂતા પણ ગભરાઇ રહ્યા છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાંદરાની ટોળકીએ આતંક ફેલાવ્યો છે. આ વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગના લોકો રહે છે. ગરમીથી રાહત માટે લોકો અગાશી પર સૂઇ રહ્યા છે. ગોરવા હાઉસિંગ બોર્ડમાં ૧,૨૦૦ જેટલા મકાનો છે. ગઇકાલે રાતે રણછોડરાય નગર અને કૈલાસ ધામ સોસાયટીમાં વાંદરાની ટોળકીએ અગાશી પર સૂતા એક બાળક અને એક પુખ્ત વ્યક્તિને બચકા ભરતા વિસ્તારમાં ભયનો માહોલ છે. રણછોડરાય નગરમાં રહેતા અનિલભાઇ દાવડકર ગઇકાલે રાતે મોડા ઘરે આવ્યા હતા અને અગાશી પર સૂઇ ગયા હતા. વહેલી સવારે વાંદરાઓની ટોળકી આવી હતી. વાંદરાઓએ અનિલભાઇને પગના પંજા અને જાંઘ પર બચકા ભરી લીધા હતા. અચાનક થયેલા હુમલાના પગલે અનિલભાઇ ઊંઘમાંથી જાગી ગયા હતા. તેમણે બૂમાબૂમ કરતા વાંદરાઓની ટોળકી ભાગી ગઇ હતી. આજુબાજુના રહીશો પણ ભેગા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત અનિલભાઇને સારવાર માટે નજીકના દવાખાને લઇ જવામાં આવ્યા હતા. તેઓને ૧૮ ટાંકા આવ્યા છે. જ્યારે આ જ વિસ્તારમાં ૧૩ વર્ષનો કિશોર પણ વહેલી સવારે અગાશી પર સૂતો હતો. તે દરમિયાન વાંદરાની ટોળકીએ તેને પણ બચકા ભરી ઇજા પહોંચાડી હતી. બાળકને પણ સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યો હતો.
અચાનક ઊંઘતા લોકો પર અચાનક વાંદરાની ટોળીના હુમલાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. વિસ્તારના રહીશોની માંગણી છે કે, વન વિસ્તાર દ્વારા ઝડપથી કાર્યવાહી કરીને વાંદરાઓને પકડવામાં આવે.