વડોદરા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોની તા.૨૨મીએ મુદત પુરી
વડોદરા,તા.14 ડિસેમ્બર,2020,સોમવાર
વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મુદત આગામી તા.૨૨મીએ પુરી થતી હોવાથી છેલ્લી ઘડીએ કામો મંજૂર કરાવી લેવા માટે ચૂંટાયેલા સભ્યો દોડાદોડી કરી રહ્યા છે.
વડોદરા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતોની ગઇ ડિસેમ્બર-૨૦૧૫માં ચૂંટણીઓ યોજાઇ હતી.ચૂંટાયેલા સભ્યોએ ચાર્જ લીધાના આગામી તા.૨૨મી ડિસેમ્બરે પાંચ વર્ષ પુરા થઇ રહ્યા છે.
રાજ્ય સરકારે જિલ્લા પંચાયતોમાં જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતોમાં તાલુકા વિકાસ અધિકારીઓને વહીવટદાર તરીકે મુકતા આગામી તા.૨૨મી એ તેઓ ચાર્જ લેનાર છે.
બીજીતરફ છેલ્લી ઘડીએ કામોની મંજૂરી માટે ચૂંટાયેલા સભ્યો દોડધામ કરી રહ્યા છે.જ્યારે,જિલ્લા પંચાયતના પ્રમુખના પતિએ છેલ્લી સભા બોલાવી કામો મંજૂર કરી લેવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ડીડીઓ બીમારીના કારણે તા.૨૧મી સુધી રજા પર ઉતરી જતાં સભા મળી નથી અને ઇન્ચાર્જ ડીડીઓએ પણ સભા માટે તૈયારી નહીં દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે.
ડભોઇ અને પાદરા નગર પાલિકામાં વહીવટદાર નીમાયા
પાદરા અને સાવલી નગર પાલિકાની ટર્મ ફેબુ્રઆરીમાં પુરી થશે
વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકા પૈકી બે પાલિકાની ટર્મ પુરી થતાં વહીવટદારે ચાર્જ સંભાળી લીધો છે.
વડોદરા જિલ્લાની ડભોઇ અને પાદરા નગર પાલિકાની ટર્મ આજે તા.૧૪મી એ પુરી થતાં ચીફ ઓફિસરે વહીવટદાર તરીકે ચાર્જ લીધો છે.
જ્યારે,સાવલી અને પાદરા નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટર્મ આગામી ફેબુ્રઆરી મહિનામાં પુરી થઇ રહી છે.આમ, પંચાયતોની ચૂંટણીઓની સાથે બે નગર પાલિકાની ચૂંટણીઓ પણ યોજાશે.