વસો ગામમાં ગણેશ વિસર્જનમાં બે કોમના જૂથો સામસામે આવી જતાં તંગદીલી
બોલાચાલી બાદ ટોળું એકઠું થતા પોલીસ કાફલો ખડકી દેવાયો
ગુલાલ ઉડાડવા અને મસ્જિદ પાસે ભગવો ઝંડો ફરકાવવા બાબતે મામલો બિચક્યો ઃ પોલીસે મામલો થાળે પાડયો : ફરિયાદ નોંધાવાની તજવીજ
નડિયાદ: ખેડા જિલ્લાના કઠલાલ, મહુધા બાદ હવે વસોમાં બે કોમ વચ્ચે બોલાચાલીનો બનાવ સામે આવ્યો છે. વસો ગામમાં મંગળવારે ગણેશ વિસર્જન યાત્રા સમયે શહેરની મુખ્ય મસ્જીદ પાસે ગુલાલ ઉડાડવા અને મસ્જીદ પાસે ઝંડો ફરકાવવા બાબતે બે કોમના જુથો સામસામે આવી જતાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો.બંને કોમના ટોળા એકત્ર થઈ જતાં સ્થળ ઉપર હાજર પોલીસ જવાનોએ સ્થિતિ સંભાળી લીધી હતી. આ દરમિયાન એક પોલીસ કર્મી સહિત બે લોકોને ઈજા પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે હાલ બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
વસોમાં મંગળવારે બપોરે ૪ વાગ્યા બાદ ગણેશ વિસર્જન યાત્રા શહેરની મુખ્ય મસ્જીદ પાસેથી પસાર થઈ રહી હતી. અગાઉ નિર્ધારિત કર્યા મુજબ નમાઝનો સમય હોવાથી યાત્રા ૧૦ મિનિટ રોકવાની હતી. જોકે, આ યાત્રા ત્યાં રોકાઈ નહતી. દરમિયાન યાત્રામાંથી કેટલાક શખ્સોએ સૌપ્રથમ ત્યાં હાજર લઘુમતિ કોમના લોકો પર ગુલાલ નાખ્યો હતો. બાદમાં મસ્જીદના ગેટ ઉપર ગુલાલ નાખી હતી. ત્યાં સુધી વાતાવરણ શાંત રહ્યું હતું. તેવામાં ધાર્મિક ગીતો વગાડીને ડાન્સ શરૂ કરી મસ્જીદ નજીક ભગવો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. બંને કોમના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પાઈપ, લોખંડના સળિયા સહિતના સાથે લોકો સામસામે આવી ગયા હતા. જોકે, સ્થળ ઉપર અગાઉથી હાજર સુરક્ષા જવાનોએ સ્થિતિ સંભાળી લઈ મામલો શાંત પાડયો હતો. આ બનાવમાં એક પોલીસ કર્મી અને એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ ઘટનાની જાણ થતાં જ એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો વસોમાં ખડકાયો હતો. ગામમાં મોડી સાજે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમજ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, બે પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. તે સિવાય મોટુ કંઈ નથી. આ અંગે બંને પક્ષો દ્વારા જે લેખિત રજૂઆત કરાશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.