સેક્ટરોમાં નવા બગીચા અને રીનોવેશનના ટેન્ડર ૨૩ થી ૨૪ ટકા ઊંચા આવ્યા

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
સેક્ટરોમાં નવા બગીચા અને રીનોવેશનના ટેન્ડર ૨૩ થી ૨૪ ટકા ઊંચા આવ્યા 1 - image


ગાંધીનગર મહાનગરપાલિકામાં ઊંચા ટેન્ડરનો ખેલ ફરી શરૃ

અગાઉની જેમ સ્થાયી સમિતિ રીટેન્ડરીંગ કરે છે કે પછી ઊંચા ટેન્ડરોને મંજૂર રાખે તે શુક્રવારે ખબર પડશે

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકામાં હાલ કરોડ રૃપિયાના વિકાસ કામો ચાલી રહ્યા છે ત્યારે નવા કામો માટે ટેન્ડર પ્રક્રિયા બાદ નવા બગીચા અને રીનોવેશનના કામોના ટેન્ડર ૨૩થી ૨૪ ટકા જેટલા ઊંચા આવ્યા છે ત્યારે શુક્રવારે મળનારી સમિતિની બેઠકમાં આ ટેન્ડર ગ્રાહ્ય રાખવામાં આવે છે કે પછી રિટેન્ડરીંગ કરવામાં આવે છે તે જોવું રહ્યું.

આગામી શુક્રવારના રોજ નવી સ્થાયી સમિતિની ત્રીજી બેઠક મળનારી છે. જેમાં અલગ અલગ ૩૬ જેટલી દરખાસ્ત ઉપર નિર્ણય લેવામાં આવનાર છે. જોકે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં નવા બગીચા બનાવવા તેમજ રીનોવેશનના કામોના ટેન્ડર પણ આ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યા છે. જેમાં ઊંચા ભાવ આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જેની ઉપર નજર કરીએ તો ઝુંડાલમાં બગીચો બનાવવા માટે કોર્પોરેશનના ૭.૫૨ કરોડના અંદાજ સામે નીલકંઠ લેન્ડસ્કેપ એસોસિએટ્સનું ૨૨.૯૮ ટકા એટલે કે ૯.૨૫ કરોડનું ભરાયું ટેન્ડર છે અને એલ-૧ આવ્યું છે ત્યારે શહેરના છ જેટલા સેક્ટરોમાં બગીચાના રીનોવેશન કરવા માટે કોર્પોરેશનને ૧૭.૭૩ કરોડ રૃપિયાના ખર્ચનો અંદાજ હતો.  જેની સામે આજ એજન્સીનું ૨૪.૫૦ ટકા ઊંચું એટલે કે ૨૨.૦૭ કરોડ રૃપિયાનું ટેન્ડર એલ-૧ આવ્યું છે ત્યારે અંબાપુર ખાતે તળાવ અને બગીચા ડેવલોપમેન્ટની કામગીરી કરી રહેલી આ એજન્સીને છ મહિનાની મુદત વધારવા તેમજ વધુ ૪.૯૭ કરોડ રૃપિયાનો ખર્ચ મંજૂર કરવા પણ દરખાસ્ત કરવામાં આવી છે તો આ સાથે કુડાસણમાં તળાવ ડેવલોપમેન્ટ અને બગીચો બનાવવા માટે ૧૩.૬૩ કરોડ રૃપિયાના ખર્ચના અંદાજ સામે દેવર્ષ કન્સ્ટ્રક્શનનું ૭.૫૬ ટકા ઊંચું એટલે કે ૧૪.૬૬ કરોડ રૃપિયાનું ટેન્ડર આવ્યું છે ત્યારે હવે સ્થાયી સમિતિ દ્વારા અગાઉની જેમ ઊંચા ભરાઈ આવતા ટેન્ડરોને રદ કરવામાં આવે છે કે પછી તેને મંજૂર કરવામાં આવે છે તે જોવું રહ્યું.


Google NewsGoogle News