તહેવારોની સીઝનમાં MSUના સેંકડો હંગામી અધ્યાપકો પગારથી વંચિત

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
તહેવારોની સીઝનમાં MSUના સેંકડો હંગામી અધ્યાપકો પગારથી વંચિત 1 - image

વડોદરાઃ ગુજરાતમાં એક તરફ સરકારી સ્કૂલોમાં શિક્ષકો કામ કર્યા વગર વર્ષોથી પગાર મેળવી રહ્યાં હોવાના કિસ્સા બહાર આવ્યા છે તો બીજી તરફ એમ.એસ.યુનિવર્સિટીમાં ઉલટી  સ્થિતિ છે.એમ.એસ.યુનિવર્સિટીમાં સેંકડો હંગામી અધ્યાપકો છેલ્લા દોઢ મહિનાથી પગાર વગર કામ કરી રહ્યા છે.કારણકે તેમને નિમણૂકના ઓર્ડર મળ્યાં નથી.
તો બીજી તરફ જેમને ઓર્ડર મળ્યાં છે તેમનો પણ પગાર થયો નથી.આમ સરકારના શિક્ષણ વિભાગના પીઠબળના કારણે બેફામ બનીને મનફાવે તેમ વહીવટ કરી રહેલા સત્તાધીશોના પાપે તહેવારોની સીઝનમાં હંગામી અધ્યાપકોની આર્થિક હાલત કફોડી બની છે.જોકે એક પણ ફેકલ્ટી ડીનની એવી હિંમત નથી કે, હંગામી અધ્યાપકોની દયાજનક   સ્થિતિ અંગે યુનિવર્સિટી હેડ ઓફિસમાં વાઈસ ચાન્સેલરને રજૂઆત કરી શકે.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ, આર્ટસ, સાયન્સ ફેકલ્ટીમાં  હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ થયા બાદ શિક્ષણકાર્ય શરુ કરવાનુ હોવાથી જેમની પસંદગી થઈ હતી તેવા અધ્યાપકોને શિક્ષણકાર્ય માટે મૌખિક રીતે ફેકલ્ટી ડીનોએ બોલાવી લીધા હતા.ઉપરાંત એડમિશન પ્રક્રિયા માટે પણ ફેકલ્ટીઓએ હંગામી અધ્યાપકોને એપોઈન્ટમેન્ટ  ઓર્ડર વગર જ ફરજ સોંપી હતી.આમ સેંકડો હંગામી અધ્યાપકોએ આજે નહીં તો કાલે ઓર્ડર મળી જશે તેવી આશાએ જુલાઈ મહિનો તો કેટલાકે જૂન મહિનામાં પણ કામ કર્યું હતુ.હવે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો પણ આ પૈકીના સેંકડો અધ્યાપકો ઓર્ડર વગર ફાંફા મારી રહ્યા છે.તેમના ઓર્ડરને મંજૂરી આપવાનો સત્તાધીશો પાસે સમય નથી..કેટલાક અધ્યાપકોને તો તાજેતરમાં જ ઓર્ડર મળ્યાં છે.એક અંદાજ પ્રમાંણે ૪૦૦ જેટલા હંગામી અધ્યાપકો પગારથી વંચિત છે.આમ ખાનગી કોલેજોની જેમ યુનિવર્સિટીમાં પણ અધ્યાપકોનુ શોષણ થઈ રહ્યું છે.

---કોમર્સમાં શનિવારે ૮૫
અધ્યાપકોને ઓર્ડર અપાયા
જાણવા મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં શનિવારે જ ૮૫ અધ્યાપકોને નિમણૂકના ઓર્ડર મળ્યા છે.જેમાં તેમની નિમણૂકની તારીખ ૨૪ જુલાઈ દર્શાવાઈ છે.આ પૈકીના ઘણા અધ્યાપકો તો તેના પહેલાથી ફરજ બજાવી રહ્યા છે.હજી કોમર્સમાં ૩૦ કરતા વધારે અધ્યાપકોના ઓર્ડર બાકી હોવાનુ અધ્યાપક આલમમાં ચર્ચાઈ રહ્યું છે..આર્ટસ ફેકલ્ટીમાં ૩૫ જેટલા હંગામી અધ્યાપકોના તો સાયન્સ  ફેકલ્ટીમાં પણ ૧૨ જેટલા હંગામી અધ્યાપકોના ઓર્ડર બાકી છે.આ તમામ ફેકલ્ટી ડીનોનો સંપર્ક થઈ શક્યો નહોતો.

--આર્ટસમાં હિન્દી અને હિસ્ટ્રીના લેકચરો જ નથી લેવાયા

કેટલાક હંગામી અધ્યાપકો એવા પણ છે જેમણે નિમણૂકનો ઓર્ડર ના મળે ત્યાં સુધી લેકચર લેવાની ના પાડી દીધી છે.જેના કારણે વિદ્યાર્થીઓના કેટલાક વિષયોના ક્લાસ પણ શરુ થયા નથી.આર્ટસમાં હિસ્ટ્રી અને હિન્દી જેવા વિષયોમાં ૧૦ દિવસથી કોઈ લેકચર નહીંં લેવાયા હોવાની રજૂઆત વિદ્યાર્થીઓએ કરી છે.

--મોટાભાગના ઓર્ડર થઈ ગયા છેઃ રજિસ્ટ્રાર

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનું કહેવું છે કે, મોટાભાગના હંગામી અધ્યાપકોને  નિમણૂકના ઓર્ડર મળી ગયા છે અને આગામી દિવસોમાં તેમનો પગાર પણ થઈ જશે.

---પાંચ વર્ષની કેટેગરીની બાદબાકી કરી દેવાઈ

પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હંગામી અધ્યાપકોની કેટેગરીની સત્તાધીશોએ બાદબાકી કરી નાંખી છે.ડિસેમ્બર મહિનામાં જેમની પાંચ વર્ષની મુદત પૂરી થઈ હતી તેવા હંગામી અધ્યાપકોને આ વખતે ૧૧ મહિનાના જ ઓર્ડર આપવામાં આવ્યા છે.જેના કારણે નેટ-સેટ પરીક્ષા પાસ કરનારા અને બીજા હંગામી અધ્યાપકો કરતા વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા આ અધ્યાપકો પૈકીના કેટલાક નોકરી છોડી ચૂકયા છે.

--ઓર્ડર નહીં હોવા છતા ઉત્તરવહીઓ પણ તપાસી

આર્ટસમાં જુલાઈ મહિનામાં પરીક્ષા લેવાઈ હતી અને આ પરીક્ષાની ઉત્તરવહીઓ પણ  કેટલાક હંગામી અધ્યાપકોએ ઓર્ડર નહીં મળ્યો હોવા છતા તપાસ્યા હોવાની જાણકારી સામે આવી છે.જેમની કાગળ પર નિમણૂક નથી થઈ તેવા અધ્યાપકોએ ઉત્તરવહીઓ પણ તપાસી છે.


Google NewsGoogle News