બિઝનેસ ઈકોનોમિક્સના હંગામી અધ્યાપકોને તા.૧૭ જુલાઈથી પગાર પણ મળ્યો નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હંગામી અધ્યાપકોની હાલત કફોડી છે.તેમાં પણ કોમર્સ ફેકલ્ટીના બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગમાં ફરજ બજાવતા ૧૨ જેટલા અધ્યાપકોને નિમણૂકના ઓર્ડર તો મળ્યા જ નથી અને સાથે સાથે ૧૭ જુલાઈ બાદ તેમને પગાર પણ મળ્યો નથી. પેટે પાટા બાંધીને આ હંગામી અધ્યાપકો નોકરી કરી રહ્યા છે.
યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ હંગામી અધ્યાપકોની સદંતર ઉપેક્ષા કરી રહ્યા છે.હંગામી અધ્યાપકોને ઓર્ડર આપવામાં આ વખતે ભારે વિલંબ કરાયો હતો.જોકે હવે મોટાભાગની ફેકલ્ટીઓમાં હંગામી અધ્યાપકોને ઓર્ડર મળી ગયા છે પણ બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગમાં અઢી મહિના પછી પણ હંગામી અધ્યાપકો ઓર્ડર માટે ફાંફા મારી રહ્યા છે.
એવુ મનાઈ રહ્યું છે કે, હંગામી અધ્યાપકો પૈકી એક અધ્યાપકે ભૂતકાળમાં ઈન્ટરવ્યૂને લઈને આરટીઆઈ કરીને જાણકારી માંગી હતી અને યુનિવર્સિટી સત્તાધીશો આ અધ્યાપકને ઓર્ડર આપવા ઈચ્છુંક નથી પરંતુ તેના કારણે બીજા અધ્યાપકોને પણ ઓર્ડરથી વંચિત રાખવા પાછળનું કારણ સમજાઈ રહ્યું નથી.ઉપરાંત જે ઉમેદવારે જાણકારી મેળવવા આરટીઆઈ કરી હોય તેને ઓર્ડર કેમ ના અપાય તે સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.
કોમર્સના ડીન પણ હંગામી અધ્યાપકોના ઓર્ડરને લઈને વાઈસ ચાન્સેલરને રજૂઆત કરી રહ્યા નથી.બીજી તરફ અધ્યાપક સંગઠનો બુટા અને શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ પણ વાઈસ ચાન્સેલરથી ડરીને અધ્યાપકોના પ્રશ્નો ઉઠાવવાનું બંધ કરી દીધું હોવાની લાગણી અધ્યાપક આલમમાં વ્યક્ત થઈ રહી છે.