MSUમાં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં હજી પણ અખાડા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં હજી પણ યુનિવર્સિટી સત્તાધીશોના અખાડા યથાવત છે.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં બિઝનેસ ઈકોનોમિક્સ તેેમજ મેનેજમેન્ટ વિભાગમાં સંખ્યાબંધ હંગામી અધ્યાપકોની નિમણૂકના ઓર્ડર થયા નથી.આવા અધ્યાપકોની સંખ્યા ૧૦ થી ૧૨ જેટલી છે.જેના કારણે સાત થી આઠ ડિવિઝનમાં વિદ્યાર્થીઓના લેકચર પર અસર પડી રહી છે.આ મુદ્દે જાણકારી માટે કોમર્સ ફેકલ્ટીના ડીનનો સંપર્ક થઈ શક્યો નહોતો.
બીજી તરફ આર્ટસ ફેકલ્ટીમાં વિભાગોના હેડ અને કાયમી અધ્યાપકોએ કામ નહીં કરવાની ચીમકી આપ્યા વિવિધ વિભાગોમાં સત્તાધીશોએ હંગામી અધ્યાપકોની નિમણૂકના ઓર્ડર તો કર્યા છે પણ હજી હિન્દી, ઈકોનોમિક્સ, હિસ્ટ્રી, ફિલોસોફીમાં કેટલીક જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે.ગુજરાતી વિભાગમાં તો બે હંગામી અધ્યાપકોને અને સોશિયોલોજીમાં એક હંગામી અધ્યાપકને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ઓર્ડર અપાશે તેવુ માની લઈને બે મહિનાથી ફરજ સોંપવામાં આવી હતી.હવે યુનિવર્સિટી સત્તાધીશોએ આ બેની જગ્યાએ અન્ય બે ઉમેદવારોના ઓર્ડર કર્યા છે.આમ બે મહિનાથી વગર ઓર્ડરે કામ કરનારા આ અધ્યાપકોને હવે ઘરે બેસવાનો વારો આવ્યો છે.જોકે ફેકલ્ટી સત્તાધીશોએ પસંદ કરેલા આ બે ઉમેદવારોની જગ્યાએ અન્ય ઉમેદવારને યુનિવસિર્ટી સત્તાધીશો ઓર્ડર કેવી રીતે આપી શકે તેવો સવાલ પણ અધ્યાપક આલમમાં પૂછાઈ રહ્યો છે.