Get The App

આણંદ જિલ્લામાં ગણ્યાંગાઠયાં વેપારીઓ પાસે જ દારૂખાનું વેચવા હંગામી પરવાનગી

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં ગણ્યાંગાઠયાં વેપારીઓ પાસે જ દારૂખાનું વેચવા હંગામી પરવાનગી 1 - image


- ફાયર સેફ્ટીના પરવાના માટે ઓનલાઇન અરજીઓ કરી 

- આણંદ, બોરસદ અને ખંભાત પ્રાંત કચેરીએ હંગામી પરવાના માટે 156 અરજીઓ આવી : શહેર અને ગ્રામ્યમાં ફટાકડાની હાટડીઓ ખડકાઇ 

આણંદ : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લામાં ઠેર ઠેર ફટાકડાની દુકાનો અને હાટડીઓ ચાલુ થઈ ગઈ છે. આણંદ જિલ્લામાં દારૂખાનું વેચવા માટે હંગામી પરવાનો મેળવવા આણંદ પ્રાંત કચેરી, બોરસદ પ્રાંત કચેરી અને ખંભાત પ્રાંત કચેરી ખાતે કુલ ૧૫૬ અરજીઓ કરવામાં આવી હતી. જોકે, અરજદારે ફાયર સેફ્ટીનો પરવાનો વડોદરાની કચેરી ખાતેથી મેળવવા ઓનલાઈન અરજી કરવાની હતી. ત્યારે હજૂ સુધી જિલ્લામાં ગણ્યાંગાઠયાં વેપારીઓને જ ફાયર સેફ્ટીની પરવાનગી મળી છે. ત્યારે જિલ્લામાં મોટાભાગની ફટાકડાની દુકાનો અને હાટડીઓ ફાયર સેફ્ટીની પરવાનગી વિના ધમધમી રહી છે.

જિલ્લામાં દારૂખાનું વેચવા માટે હંગામી પરવાનો મેળવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે બોરસદ અને આંકલાવ તાલુકામાં તા. ૧૦ ઓક્ટોબર સુધી, પેટલાદ અને સોજિત્રા તાલુકામાં તા.૧૪ ઓક્ટોબર સુધી તથા આણંદ શહેર, ગ્રામ્ય, ઉમરેઠ, ખંભાત અને તારાપુર તાલુકામાં તા. ૨૦ ઓક્ટોબર સુધીમાં હંગામી પરવાનો મેળવવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીએ અરજી કરવાની હતી. જેમાં ચાલુ વર્ષે હંગામી પરવાના માટે બોરસદ અને આંકલાવ તાલુકામાંથી પ્રાંત અધિકારીને ૩૬ અરજી, આણંદ અને ઉમરેઠ તાલુકામાંથી પ્રાંત અધિકારીને ૮૦ અરજી, ખંભાત અને તારાપુર તાલુકામાંથી પ્રાંત અધિકારીને ૪૦ અરજી કરવામાં આવી હતી. જોકે, હંગામી પરવાનો મેળવવા માટે ફાયર એનઓસી મેળવવાનું ફરજિયાત છે. ત્યારે આણંદ જિલ્લાના વેપારીઓએ ફાયર સેફ્ટી માટે ઓનલાઈન અરજી કરી હતી. ઓનલાઈન અરજી કર્યા બાદ વડોદરાથી ફાયર સેફ્ટીના અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ, તપાસ કરી પરવાનગી આપવાનું નક્કી કરતા હોય છે. ત્યારે દિવાળીના તહેવારના ચાર દિવસ પહેલા સુધી જિલ્લામાં ગણ્યાંગાઠયાં વેપારીઓને જ ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બાકીની હાટડીઓ અને દુકાનો ફાયર સેફ્ટીના પ્રમાણપત્ર વિના જ ધમધમી રહ્યા છે. 

આણંદ શહેરમાં 12 દુકાનદારોને ફાયર સેફ્ટીની પરવાનગી

આણંદ નગરપાલિકાના ફાયર ઓફિસર ધર્મેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં હજૂ ફટાકડાવાળાઓને ફાયર સેફ્ટીની પરવાનગી મળી નથી પરંતુ મને ૧૨ જેટલા દુકાનવાળા પરવાનગી બતાવવા આવ્યા હતા. એ સિવાય બીજા કોઈને પરવાનગી આપવામાં આવી નથી. અમે ચેકિંગ કરવા જઈએ ત્યારે ફાયર સેફ્ટીની પરવાનગી ન હોય તો દુકાન બંધ કરી દેવાની ચેતવણી આપીએ છીએ. અમારી ફરજ માત્ર આગ બુઝાવવાની હોય છે, પરવાનગી માટે ઓનલાઈન અરજી કરવામાં આવતી હોય છે.

વેપારીઓની ઉચ્ચકક્ષાએ રજૂઆત 

આણંદ શહેરમાં હંગામી પરવાનગી માટે અરજી કરનારા વેપારીઓને ફાયર સેફ્ટીની પરવાનગી ન મળતા બુધવારે મોડી સાંજે સાંસદના કાર્યાલયે રજૂઆતો કરી હતી. વહેલી તકે ફાયર સેફ્ટીનું લાયસન્સ મળે તેવું આયોજન કરવાની માંગ કરી હોવા છતાં હજૂ પરવાનગી ન મળી હોવાનું જાણવા મળ્યું છે. 

દારૂખાનાનો 350-450 કિલો સ્ટોક રાખવાની મંજૂરી

બોરસદ પ્રાંત કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, પરવાનેદારને દારૂખાનાનો ૩૫૦થી ૪૫૦ કિલો સ્ટોક રાખવાની મર્યાદા આપવામાં આવે છે. પરવાનેદારે ફાયર સેફ્ટીનું લાયસન્સ રાખવું ફરજિયાત હોય છે. જો સ્ટોક વધુ હોય તો ચેકિંગ દરમિયાન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. 


Google NewsGoogle News