વડોદરામાં મંગળબજાર, મદનઝાંપા અને ગોત્રી વિસ્તારમાંથી હંગામી ગેરકાયદે દબાણોનો સફાયો : કોઈ કાયમી ઉકેલ નહીં
વડોદરા,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ આજે ફરી એકવાર મંગળ બજાર,મદનઝાપા રોડ વિસ્તારમાં દબાણો હટાવી ત્રણ ટ્રક ભરીને મુદ્દામાં જપ્ત કર્યો હતો પરંતુ આ વિસ્તારમાં દબાણ હટાવ્યા પછી પણ"જેસે થે" પરિસ્થિતિ થઈ જતી હોય છે.
આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થામાં મદદરૂપ થવાના ઇરાદે પાલિકા તંત્ર દ્વારા વોર્ડ નં.14માં લહેરીપુરા મંગળ બજાર વોર્ડ નં.06 અને વોર્ડ નં.10ના રોડ રસ્તાની બંને બાજુના કાચા પાકા હંગામી દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે વર્ષનો આખરી દિવસ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને 2024ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોડી રાત સુધી ખાણી પીણીની લારીઓ અને ગલ્લા ખુલ્લા રહેતા હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોવાની શક્યતા નકારી શકાતી નથી. પરિણામે કેટલાક વિસ્તારમાં શહેરની શાંતિને પણ જોખમરૂપ આવા ગેરકાયદે દબાણો બની શકે છે.
પરિણામે પાલિકા તંત્ર દ્વારા વોર્ડ નં.14માં લહેરીપુરા મંગળ બજારના ગેરકાયદે લારીના દબાણો સહિત વોર્ડ નં.6 માં રોડ રસ્તાની બંને બાજુના ફૂટપાથો પર રીપેરીંગની તથા નવી સાયકલો ગોઠવીને સાયકલ બજારના દબાણો સહિત વોર્ડ નં.10માં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ખાતે પણ રોડ રસ્તાની બંને બાજુના હંગામી ગેરકાયદે પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે ખસેડીને રસ્તા સહિત ફૂટપાથો ખુલ્લી કરી હતી.