નવી ટેકનોલોજીનો લાભ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને મળવો જોઈએ
વડોદરાઃ નવી ટેકનોલોજીનો લાભ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને મળે તો ઉત્પાદન વધી શકે છે અને તેની ગુણવત્તા પણ સુધરી શકે છે તેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમએસએમઈ માટે કાર્યરત સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના વડોદરામાં યોજાયેલા ક્ષેત્રીય સંમેલનમાં સંબોધન કરતા કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી ભારત મેન્યુફેકચરિંગ અને ઈનોવેશન ક્ષેત્રમાં પાવર હાઉસ બનવા તરફ જઈ રહ્યું છે.સેમી કન્ડર અને ઈલેક્ટ્રોનિક વ્હીકલ ક્ષેત્રમાં ભારત આગળ આવી રહ્યું છે અને વિશ્વમાં બીજા નંબરનો મોબાઈલ ઉત્પાદક દેશ પણ બન્યું છે.દેશમાં નવી ટેકનોલોજીને નાના ઉદ્યોગો સાથે જોડવી બહુ જરુરી છે.જેના કારણે ઉદ્યોગોનુ ઉત્પાદન વધી શકે છે.લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આ દિશામાં વધારે કામ થાય તો નાના ઉદ્યોગોને ફાયદો થશે. મેક ઈન ઈન્ડિયાની સાથે મેક ર્ફાર વર્લ્ડનું..કેન્દ્ર સરકારનું સૂત્ર સાકાર કરવા માટે ઉદ્યોગોએ વધારે ઈકો ફ્રેન્ડલી બનવું પડશે અને ઉત્પાદનની ગુણવત્તા પણ સુધારવી પડશે.
મુખ્યમંત્રીએ આગળ કહ્યું હતું કે, મૂડીરોકાણ માટે ગુજરાત દેશના મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે.જેનો લાભ ગુજરાતમાં એમએસએમઈ સેકટરને પણ મળી રહ્યો છે.ગુજરાતના વિકાસમાં એમએસએમઈ કરોડરજ્જુ સમાન છે..ગુજરાતમાં નવા ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ પણ વધી રહી છે.જેના કારણે નવા ઉદ્યોગો અને નવા સ્ટાર્ટ અપ માટેની તકો પણ વધશે.લઘુ ઉદ્યોગ ભારતીએ સરકારની નીતિઓની જાણકારી ઉદ્યોગો સુધી પહોંચાડે.સરકાર એમએસએમઈના પ્રશ્નોના નિરાકરણ માટે ઉદ્યોગોની સાથે છે.