ટેકનોલોજી ફેકલ્ટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગને પણ એનબીએનું એક્રેડિટેશન મળ્યું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના સિવિલ એન્જિનયિરિંગ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બાદ હવે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગને પણ એનબીએ(નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન)નુ એક્રેડિટેશન મળી ગયુ છે.
આ વિભાગના એક્રેડિટેશન માટેની અરજી નવેમ્બર ૨૦૨૩માં કરવામાં આવી હતી.એ પછી એનબીએની એક ટીમે આ વિભાગનુ નિરીક્ષણ કરવા માટે ટેકનોલોજી ફેકલ્ટીની તા.૧૯ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન મુલાકાત લીધી હતી.આ મુલાકાતને ધ્યાનમા રાખીને ફેકલ્ટી દ્વારા વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી હતી.
એનબીએ દ્વારા આજે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગને એક્રેડિટેશન આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ એક્રેડિટેશન આપતા પહેલા શિક્ષણ, અધ્યાપકોની ગુણવત્તા, વિદ્યાર્થીઓનુ પ્લેસમેન્ટ, રિસર્ચ, સુવિધાઓ અને વહિવટી કામગીરી જેવા ૧૦ પાસાને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
એનબીએના એક્રેડિટેશનના કારણે હવે વિભાગને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા રિસર્ચ માટે વધારે ગ્રાન્ટ મળશે તેમજ વિદ્યાર્થીઓની બેઠકો પણ વધારી શકાશે.માળખાકીય સુવિધાઓ માટે પણ વધારે ભંડોળ મળવાની શક્યતા છે.ખાસ કરીને વિદેશમાં નોકરી કરવા માંગતા વિદ્યાર્થીઓને આ એક્રેડિટેશનથી ફાયદો થશે.કારણકે ઘણા દેશોમાં કંપનીઓ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સંસ્થા પાસે એક્રેડિટેશનનો આગ્રહ રાખતી હોય છે.આ પહેલા ફેકલ્ટીના સિવિલ તેમજ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગને પણ એનબીએનુ એક્રેડિટેશન મળી ચુકયુ છે.હવે આગામી દિવસોમાં બાકીના વિભાગોના એક્રેડિટેશન માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેમ ફેકલ્ટી ડીન પ્રો.ધનેશ પટેલનુ કહેવુ છે.