ટેકનોલોજી ફેકલ્ટીના આઠ વિભાગોને એનબીએનું એક્રેડિટેશન મળે તેમ નથી

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
ટેકનોલોજી ફેકલ્ટીના આઠ વિભાગોને એનબીએનું એક્રેડિટેશન મળે તેમ નથી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી પ્રતિષ્ઠિત ફેકલ્ટીઓ પૈકીની એક ટેકનોલોજી ફેકલ્ટીના આઠ વિભાગો એનબીએ(નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન)નુ એક્રેડિટેશન મેળવવાની અરજી કરવાની લાયકાત પણ ધરાવતા નહીંં હોવાની  વિગતો સપાટી પર આવી છે અને તેની પાછળનુ કારણ છેલ્લા ત્રણ વર્ષથી અટકી પડેલી અધ્યાપકોની ભરતી છે.

એનબીએનુ એક્રેડિટેશન મેળવવા માટે દરેક વિભાગમાં ઓછામાં ઓછા એક પ્રોફેસર હોવા જરુરી છે પણ ટેકનોલોજી ફેકલ્ટીમાં માત્ર ત્રણ જ વિભાગ એવા છે જ્યાં હાલમાં પ્રોફેસર ફરજ બજાવી રહ્યા છે.બાકીના વિભાગોમાં ભરતી બંધ હોવાથી પ્રોફેસર જ નથી અને તેના કારણે આ વિભાગો એનબીએનુ એક્રેડિટેશન માટે એપ્લાય કરવાની લાયકાત ગુમાવી ચુકયા છે.

ફેકલ્ટીના કોમ્પ્યુટર અને સિવિલ એન્જિનિયરિંગ વિભાગે એનબીએનુ એક્રેડિટેશન માટે અરજી કરી હતી અને આ બંને વિભાગોને એક્રેડિટેશન મળી ચુકયુ છે.હવે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ પણ એનબીએનુ એક્રેડિટેશન માટે એપ્લાય કરવાની તૈયારી કરી રહ્યો છે.કારણકે આ વિભાગ પાસે એક પ્રોફેસર છે.

જ્યારે કેમિકલ એન્જિનિયરિંગ, મેટલર્જી, ઇરિગેશન એન્ડ વોટર મેનેજમેન્ટ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ટેક્સટાઈલ ટેકનોલોજી, ટેક્સટાઈલ પ્રોસેસિંગ, ટેક્સટાઈલ એન્જિનિયરિંગ એમ આઠ વિભાગો એવા છે જેની પાસે એક પણ પ્રોફેસર અત્યારે નથી.તેના કારણે આ વિભાગો એનબીએનુ એક્રેડિટેશન માટે ઈચ્છે તો પણ એપ્લાય કરી શકે તેમ નથી.

એક સમયની ખ્યાતનામ ટેકનોલોજી ફેકલ્ટીની આ પ્રકારની દયાજનક સ્થિતિ હોવા છતા યુનિવર્સિટી સત્તાધીશોને કોઈ પડેલી નથી.એનબીએનુ એક્રેડિટેશન નહીંં મળવાના કારણે સરવાળે તો વિદ્યાર્થીઓને જ સહન કરવાનુ આવશે.

ટેકનોલોજીની દયાજનક સ્થિતિઃ પ્રોફેસરોની ૫૫માંથી માત્ર ૬ જ પોસ્ટ ભરાયેલી 

યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના સંખ્યાબંધ પૂર્વ વિદ્યાર્થીઓનો દેશ અને વિદેશોમાં ડંકો વાગે છે અને આજે આ ફેકલ્ટીની સ્થિતિ એવી દયાજનક છે કે, ફેકલ્ટીમાં પ્રોફેસરોની ૫૫ જગ્યાઓમાંથી ૬ જ ભરાયેલી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એક પ્રોફેસર, સિવિલમાં બે અને મિકેનિકલમાં એક પ્રોફેસર અત્યારે ફરજ બજાવે છે.જ્યારે એપ્લાઈડ એન્જિનિયરિંગ વિભાગોમાં પ્રોફેસરની બે જગ્યાઓ ભરાયેલી છે.આમ કુલ મળીને ફેકલ્ટીમાં અત્યારે પ્રોફેસરના હોદ્દા પર ૬ જ અધ્યાપકો છે.



Google NewsGoogle News