ગતિશક્તિ યુનિ.માં આજથી બે દિવસના ટેક ફેસ્ટનું આયોજન
વડોદરાઃ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા સ્પોન્સર કરાયેલી દેશની પહેલી ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ગતિ શક્તિ યુનિવર્સિટીની વડોદરામાં સ્થાપના બાદ પહેલી વખત બે દિવસનો ટેક ફેસ્ટ તા.૨૫ અને ૨૬ માર્ચના રોજ માંજલપુર ખાતે રેલવે સ્ટાફ કોલેજોના કેમ્પસમાં યોજવામાં આવશે.
આ સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના બાદનો આ સૌથી મોટો કાર્યક્રમ છે.જેમાં ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ સામેલ થવાના છે.ગતિ શક્તિ રેલવે યુનિવર્સિટીની સ્થાપના દેશના પરિવહન અને માલ સામાનની હેરફેરના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.સ્થાપના થયા બાદ વિદ્યાર્થીઓની પહેલી બેચ જુન-જુલાઈ મહિનામાં ડિગ્રી મેળવશે.યુનિવર્સિટી સામે સૌથી મોટો પડકાર આ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટનો છે.કારણકે અત્યાર સુધીમાં માત્ર પાંચ જ ટકા વિદ્યાર્થીઓનુ પ્લેસમેન્ટ થયુ છે અને તેની સામે યુનિવર્સિટી શરુ થઈ ત્યારે વિદ્યાર્થીઓને નોકરી મળશે તેવા મોટા દાવા સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા.
એપિટોમ-૨૦૨૩ શિર્ષક હેઠળ યોજાનારા ટેક ફેસ્ટમાં વિદ્યાર્થીઓના ઈનોવેશન અને આઈડિયાઝને રજૂ કરવામાં આવશે.સાથે સાથે કોર્પોરેટ સેક્ટરની જાણીતી કંપનીઓના પ્રતિનિધિઓ પણ ટેક ફેસ્ટમાં હાજરી આપશે.ઉપરાંત કેન્દ્ર સરકારના રેલવે રાજ્ય મંત્રી, એમએસએમઈ સેકટરના સચિવ અને વડોદરાના સાંસદને પણ ટેક ફેસ્ટ માટે આમંત્રણ અપાયુ છે.
યુનિવર્સિટી સામે પ્લેસમેન્ટની સાથે સાથે પોતાનુ અલાયદુ કેમ્પસ શરુ કરવાનો પણ પડકાર છે.નવા શૈક્ષણિક વર્ષમાં આ યુનિવર્સિટીમાં કેટલા નવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે તે પણ જોવાનુ રહેશે.