Get The App

બિલ્ડર દ્વારા મંજૂરી વિના ગેરકાયદે બનાવેલા ઓરડાનો સફાયો કરતી વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
બિલ્ડર દ્વારા મંજૂરી વિના ગેરકાયદે બનાવેલા ઓરડાનો સફાયો કરતી વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ 1 - image


Vadodara Corporation Demolition : વડોદરા રાવપુરા-નવાબવાડા વિસ્તારમાં એવન્યુ એપાર્ટમેન્ટના બિલ્ડર દ્વારા મંજૂર નકશાની વિરુદ્ધ ગેરકાયદે રીતે બનાવેલ ઓરડાને દબાણ શાખાની ટીમ દ્વારા હથોડા મારી બુલડોઝર ફેરવી દેવાયું હતું ત્યારે તમાશો જોવા એકત્ર ટોળાને કારેલીબાગ પોલીસ કાફલાએ સંયમ દાખવીને હટાવ્યો હતો. રાવપુરા વિસ્તારમાં ઉષા કિરણ બિલ્ડિંગની સામે આવેલા સંવેદનશીલ વિસ્તાર નવાબ વાડામાં એવન્યુ એપાર્ટમેન્ટના બિલ્ડર દ્વારા પાલિકાના મંજૂર નકશાની વિરુદ્ધમાં જઈને કોઈપણ જાતની મંજૂરી વિના તદ્દન ગેરકાયદે રીતે છેલ્લા કેટલાક વર્ષોથી એક ઓરડો બનાવી દીધો હતો. નકશાની મંજૂરી વિના આ ગેરકાયદે દબાણ અંગે પાલિકા તંત્રને વારંવાર ફરિયાદો મળી હતી. 

પરિણામે ટાઉન ડેવલપમેન્ટ ઓથોરિટીના બિલ્ડીંગ ઈજનેર મેહુલ સોલંકીના નેજા હેઠળ દબાણ શાખાની ટીમ હથોડા અને બુલડોઝર સાથે નવાબવાડામાં આજે પહોંચી હતી. જ્યાં કારેલીબાગ પોલીસ બંદોબસ્ત પણ હતો. વર્ષોથી ગેરકાયદે બાંધવામાં આ ઓરડાને તોડવાની વાત વાયુવેગે સંવેદનશીલ વિસ્તારમાં ફેલાઈ હતી. જેથી તમાશો જોવા લોક ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. ગેરકાયદે ઓરડા પર દબાણ કર્મીઓએ હથોડા ઝીકવા સહિત પાલિકાનું બુલડોઝર ફેરવી દીધું ત્યારે એકત્ર ટોળાને પોલીસ કાફલાએ સંયમપૂર્વક ખસેડ્યા હતા.


Google NewsGoogle News