ગુજરાતમાં એક માત્ર કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ વેકેશનમાં ભણતા જોવા મળશે

Updated: May 5th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં એક માત્ર કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ વેકેશનમાં ભણતા જોવા મળશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આ વખતે  એક પણ દિવસનુ ઉનાળુ વેકેશન નહીં મળે.કદાચ આખા ગુજરાતમાં એક માત્ર કોમર્સ ફેકલ્ટી એવી હશે જેમાં ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જોવા મળશે.

ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિના અમલમાં થયેલા વિલંબના કારણે એફવાયનુ શિક્ષણ મોડુ શરુ થયુ હતુ અને તેના પગલે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.મળતી વિગતો પ્રમાણે એફવાયના વિદ્યાર્થીઓના બીજી સેમેસ્ટરનુ ઘણુ શિક્ષણ હજી બાકી છે.બીજા સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા તા.૧૪ મેથી શરુ થશે અને તા.૨૧ મે સુધી ચાલશે.પરીક્ષાના બીજા જ દિવસથી વિદ્યાર્થીઓના વર્ગો શરુ થઈ જશે.વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશનનો બ્રેક નહીં મળે.એફવાયના વિદ્યાર્થીઓ ના સવારે ૧૧ થી બપોરે ૨.૩૦ સુધી લેકચર લેવામાં આવશે.

વિદ્યાર્થીઓનુ શિક્ષણ કાર્ય ચાલુ રાખવા માટે કોમર્સ ફેકલ્ટીમાં ૧૦૦ જેટલા હંગામી અધ્યાપકોની ફરજ તા.૩૧ મે સુધી લંબાવી દેવાઈ છે અને એ પછી પણ તેમને વધુ એક મહિનાનુ તેમને એક્સ્ટેનશન  આપવુ પડશે.

જૂન મહિનાના અંતમાં એફવાયના વિદ્યાર્થીઓની સેકન્ડ સેમેસ્ટરની એક્સટર્નલ પરીક્ષા લેવાશે અને ત્યાં સુધીમાં ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ આપવા માટેની તૈયારીઓ પણ શરુ થઈ ગઈ હશે.કોમર્સ ફેકલ્ટીમાં કોરોનાકાળથી સતત દર વર્ષે કોઈને કોઈ કારણસર એફવાયનુ શિક્ષણ વિલંબથી શરુ થાય છે અને તેના કારણે દર વખતે વિદ્યાર્થીઓનુ વેકેશન બગડે છે.

દરમિયાન સત્તાધીશોએ એફવાયબીકોમની એટીકેટીની તા.૧૪ મેધી શરુ થનારી પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરી છે.આ પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરાશે.


Google NewsGoogle News