ઓગસ્ટ મહિનો શરુ થઈ ગયો પણ કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના વર્ગો શરુ થયા નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમના વિદ્યાર્થીઓ માટે પંદર દિવસ પહેલા મોટા ઉપાડે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.હવે ઓગસ્ટ મહિનો શરુ થઈ ગયા પછી પણ એફવાયબીકોમના વર્ગો શરુ થયા નથી.આ વર્ષે પણ એફવાયનુ શિક્ષણ સૌથી મોડું શરુ કરવાનો શરમજનક રેકોર્ડ કોમર્સ ફેકલ્ટીના નામે નોંધાયો છે.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકોના ફેકલ્ટી સત્તાધીશોએ ઈન્ટરવ્યૂ યોજી દીધા છે અને લગભગ ૭૦ હંગામી અધ્યાપકોની પસંદગી કરીને તેમના નામ યુનિવર્સિટી હેડ ઓફિસને મોકલી આપ્યા છે પરંતુ હજી સુધી યુનિવર્સિટી સત્તાધીશોએ આ અધ્યાપકોની નિમણૂકના ઓર્ડર કર્યા નથી.કોમર્સ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકો વગર એફવાયનુ શિક્ષણ કાર્ય શરુ કરવુ શક્ય નથી.એક તરફ યુનિવર્સિટી સત્તાધીશો કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ આપી શકાય તે માટે બેઠકો ઘટાડવાનુ કારણ આગળ ધરી રહ્યા છે અને બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશો એક મહિનાથી હંગામી અધ્યાપકોની નિમણૂકના ઓર્ડર કરી રહ્યા નથી.જેના કારણે એફવાયના વિદ્યાર્થીઓનુ શિક્ષણ જ શરુ નથી થયું.હંગામી અધ્યાપકોને ઓર્ડર ક્યારે મળશે તેની પણ કોઈને ખબર નથી.જેના કારણે એફવાયનું શિક્ષણ કાર્ય શરુ થવાની તારીખ પણ હજી જાહેર કરવામાં આવી નથી.બીજી તરફ અન્ય ફેકલ્ટીઓએ હંગામી અધ્યાપકોના ઓર્ડર સાથે કે ઓર્ડર વગર પણ ગમે તેમ કરીને એફવાયના વર્ગો શરુ કરી દીધા છે.