શિક્ષકોને અપાતી બીજી કામગીરીઓથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર
વડોદરાઃ શિક્ષકોને સોંપાઈ રહેલી અલગ અલગ પ્રકારની કામગીરીના કારણે ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે.
અત્યારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકારે શરુ કરેલી સ્કોલરશિપ યોજનામાં પ્રમાણપત્રોની ઓનલાઈન ચકાસણીની કામગીરી( ઈ-કેવાયસી)શિક્ષકોને સોંપી દેવામાં આવી છે.જોકે વિવિધ દસ્તાવેજોને લઈને પડતી તકલીફોના કારણે સરકારે વાલીઓને અને વિદ્યાર્થીઓને રાહત આપવાની જાહેરાત તો કરી છે પણ શિક્ષકોની દસ્તાવેજોની ચકાસણી રોકવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.
રાજ્યના માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના ઉપપ્રમુખ અને વડોદરાના શિક્ષક ભરત ઉપાધ્યાય કહે છે કે, નવું સત્ર શરુ થયું તે પછી શિક્ષકોને ૧૦ દિવસ સુધી નમો લક્ષ્મી યોજનાની કામગીરી કરવી પડી હતી.૧૦ દિવસ સુધી પૂરના કારણે શિક્ષણ ખોરવાયેલું રહ્યું હતું.એ પછી કેશડોલની કામગીરીમાં શિક્ષકોને જોતરી દેવાયા હતા.હવે ઈ કેવાયસીની કામગીરી શિક્ષકોને સોંપી દેવામાં આવી છે.જેના કારણે રોજ દરેક શિક્ષકોનો સરેરાશ દોઢ થી બે કલાકનો સમય તેમાં જઈ રહ્યો છે.ખરેખર તો આ કામગીરી વહીવટી સ્ટાફની હોય છે પણ વડોદરાની જ ૪૦ ટકા સ્કૂલોમાં ક્લાર્કની જગ્યાઓ જ ખાલી છે.આ જ સ્થિતિ રાજ્યમાં બીજા જિલ્લાઓની પણ છે.તેમનું કહેવું છે કે, અન્ય કામગીરીઓ સોંપવામાં આવી રહી હોવાથી વિદ્યાર્થીઓને ભણાવવાનું મુખ્ય કામ પ્રભાવિત થઈ રહ્યું છે.૧૪ ઓક્ટોબરથી પહેલી કસોટીનો પ્રારંભ થવાનો છે ત્યારે ઘણી ખરી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો માટે અભ્યાસક્રમ પૂરો કરવાનું કામ પડકારજનક બની રહ્યું છે.વડોદરાના શિક્ષકો દ્વારા બે દિવસ પહેલા કલેકટર થકી શિક્ષણ મંત્રીને આ મુદ્દે રજૂઆત પણ કરવામાં આવી છે.