બાયોમેટ્રીક સિસ્ટમમાં ઓછી હાજરી ધરાવતા અધ્યાપકો સામે કાર્યવાહી કરવાની ચીમકી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં બાયો મેટ્રિક સિસ્ટમમાં જે અધ્યાપકોની ઓછી હાજરી દેખાઈ રહી છે તેમની સામે કાર્યવાહી કરવાની વાઈસ ચાન્સેલરે ચીમકી આપી છે.
મળતી વિગતો પ્રમાણે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કર્યા બાદ અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી પર નજર રાખવામાં આવી રહી છે.ગત સપ્તાહે તમામ ફેકલ્ટી ડીનોની એક બેઠક વાઈસ ચાન્સેલરે બોલાવી હતી અને આ બેઠકમાં અધ્યાપકોની હાજરી પર ચર્ચા થઈ હતી.
સૂત્રોનુ કહેવુ છે કે, વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ દ્વારા બાયોમેટ્રિક સિસ્ટમમાં ૪૦ ટકા કરતા ઓછી હાજરી દેખાતી હોય તેવા અધ્યાપકોનુ ફેકલ્ટી પ્રમાણેનુ લિસ્ટ જે તે ફેકલ્ટી ડીનને સોંપવામાં આવ્યુ હતુ.વાઈસ ચાન્સેલરે તમામ ડીનોને કહ્યુ હતુ કે, જે અધ્યાપકોની હાજરી ઓછી દેખાઈ રહી છે તેમને દરેક ફેકલ્ટી ડીન ચેતવણી આપે.જો આ જ પ્રકારે ગેરહાજરી દેખાશે તો ભવિષ્યમાં આવા અધ્યાપકોનો પગાર પણ કાપી લેવામાં આવશે.વાઈસ ચાન્સેલરે આપેલી ચીમકીથી બેઠકમાં એક તબક્કે સોપો પડી ગયો હતો.આ બાબતની અધ્યાપક આલમમાં પણ ખાસી ચર્ચા છે.એક વરિષ્ઠ અધ્યાપકે નામ નહીં આપવાની શરતે કહ્યુ હતુ કે, ઓછી હાજરીવાળા લિસ્ટમાં સામેલ અધ્યાપકો પૈકી મોટાભાગનાએ સત્તાવાર રીતે રજા મંજૂરી કરાવી હતી.અધ્યાપકો ડયુટી લીવના કારણે પણ બાયોમેટ્રિક સિસ્ટમમાં હાજરી પૂરી નહોતા શક્યા.વાંક ફેકલ્ટી ડીનોનો છે.તેમના દ્વારા આ જાણકારી કોમ્પ્યુટર સેન્ટરને પૂરી પાડવામાં આવી નહી ંહોવાથી બાયો મેટ્રિક સિસ્ટમમાં અધ્યાપકોની રજા પણ ગેરહાજરી તરીકે દેખાઈ રહી છે.