કોમર્સમાં અધ્યાપકોએ એફવાયના વિદ્યાર્થીઓ વતી જાતે વિષયની પસંદગી કરી લીધી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ તો પરીક્ષા લેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે.વિદ્યાર્થીઓ પાસે સમયસર ઓનલાઈન પસંદગી કરાવવામાં પણ સત્તાધીશો નિષ્ફળ ગયા છે.તા.૧૪ ઓકટોબર, સોમવારથી એફવાયના વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષા શરુ થવાની છે.
નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને ઈન્ડિયન નોલેજ સિસ્ટમની કેટેગરીમાં વિષય પસંદગી માટે ે હિસ્ટ્રી ઓફ એકાઉન્ટ, હિસ્ટ્રી ઓફ મેનેજમેન્ટ અને હિસ્ટ્રી ઓફ ઈકોનોમિક્સ એમ ત્રણ વિકલ્પ અપાયા હતા.જોકે ૬૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ પૈકી ૨૦૦૦ વિદ્યાર્થીઓએ વિષય પસંદગી કરી જ નહોતી.સત્તાધીશોએ તેમને ૧૦ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. જે વિદ્યાર્થીઓ વિષય પસંદગી ના કરે તેમના સીટ નંબર જનરેટ ના થાય અને તેઓ પરીક્ષામાં બેસી ના શકે.૧૦ ઓકટોબર સુધીમાં માંડ ૫૦ વિદ્યાર્થીઓએ વિષય પસંદગી કરી હતી.
આમ બાકીના વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવી પડે તેમ હતું.જોકે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ફરી ઈન્ટરનલ પરીક્ષા લેવાની જગ્યાએ અધ્યાપકોએ જ વિદ્યાર્થીઓ વતી વિષય પસંદગી કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રોનું કહેવું છે કે, સમયસર વિષય પસંદગી કરનારા ૪૪૦૦ પૈકીના ૩૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હિસ્ટ્રી ઓફ એકાઉન્ટ, ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હિસ્ટ્રી ઓફ મેનેજમેન્ટ અને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હિસ્ટ્રી ઓફ ઈકોનોમિક્સ વિષય પસંદ કર્યો હતો અને આ જ રેશિયોમાં અધ્યાપકોએ જાતે જ વિષય પસંદગી નહીં કરનારા વિદ્યાર્થીઓ વતી વિષય પસંદ કરી લીધા છે.
આમ લગભગ તમામ વિદ્યાર્થીઓના સીટ નંબર જનરેટ થઈ ગયા હોવાથી વિષય પસંદગીના અભાવે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી ના શકે તેવી સ્થિતિ નહીં સર્જાય