સેનેટની પ્રોફેસર કેટેગરીની ચૂંટણીમાંથી મેનેજમેન્ટ અને લો ફેકલ્ટીની બાદબાકી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રોફેસરની ઘણી પોસ્ટ ખાલી છે અને તેના કારણે હવે સેનેટની આગામી ચૂંટણીમાં પ્રોફેસર કેટેગરીની બેઠકો માટે બે ફેકલ્ટીઓની બાદબાકી થઈ ગઈ છે.
સેનેટની અલગ અલગ કેટેગરી પૈકી પ્રોફેસર કેટેગરીની પાંચ બેઠકો માટે ૨૦ ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે.આ કેટેગરીની બેઠકો માટે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા જ અધ્યાપકો મતદાન કરી શકતા હોય છે.યુનિવર્સિટી સત્તાધીશોએ આ માટેની મતદાર યાદી બહાર પાડી છે અને તેમાં યુનિવર્સિટીની ૧૨ ફેકલ્ટીના ૧૩૩ અધ્યાપકોનો સમાવેશ થાય છે.
જ્યારે મેનેજમેન્ટ અને લો ફેકલ્ટીની યાદીમાંથી બાદબાકી થઈ ગઈ છે.કારણકે આ ફેકલ્ટીઓમાં પ્રોફેસરની એક પણ જગ્યા ભરાઈ નથી.જેનો અર્થ એ થયો કે પ્રોફેસર કેટેગરીની ચૂંટણીમાં આ બંને ફેકલ્ટીનો એક પણ અધ્યાપક ઉમેદવારી પણ નહીં કરી શકે અને મતદાન પણ નહીં કરી શકે.બંને ફેકલ્ટીમાં પ્રોફેસરોની પોસ્ટ ઘણા સમયથી ખાલી છે અને તેના કારણે આ બંને ફેકલ્ટીઓમાં ડીનની નિમણૂંક પણ થઈ શકતી નથી.
પ્રોફેસર કેટેગરીમાં યુનિવર્સિટી સત્તાધીશોએ જે મતદાર યાદી બહાર પાડી છે તેમાં આર્ટસ ફેકલ્ટીના ૨૨, સાયન્સના ૪૮, એજ્યુેકેશન એન્ડ સાયકોલોજીના ૭, કોમર્સના ૩, મેડિસિનના ૧૮, ટેકનોલોજીના ૧૦, ફાઈન આર્ટસના ૧, હોમ સાયન્સના ૧૨, સોશિયલ વર્કના ૧, પરફોર્મિંગ આર્ટસના પાંચ, જર્નાલિઝમના ૧ તેમજ ફાર્મસીના ૧ અધ્યાપકનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, સેનેટની અલગ અલગ ૬ કેટેગરીની ૪૨ બેઠકો માટે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની છે.