મહિલા અધ્યાપકના વિરોધમાં ગુજરાતી વિભાગના પાંચ વરિષ્ઠ અધ્યાપકો ધરણાં પર બેઠા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ગુજરાતી વિભાગમાં ત્રણ દિવસ પહેલા પેપર કાઢવાનુ જ રહી જતા પરીક્ષા લેવાઈ નહોતી અને હોબાળો થયો હતો.આ વિભાગમાં અધ્યાપકો વચ્ચે ચાલતી આંતરિક ખેંચતાણ આ ઘટના બાદ સપાટી પર આવી હતી.ગુજરાતી વિભાગમાં ચાલી રહેલો વિવાદ વધારે વકર્યો છે.
બુધવારે આ વિભાગના મહિલા અધ્યાપક ડો.દર્શિની દાદાવાલાએ અભયમની ટીમને આર્ટસ ફેકલ્ટી ખાતે બોલાવી હતી અને વિભાગના પાંચ વરિષ્ઠ અધ્યાપકો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા હતા.જેના પગલે પોલીસે બંને પક્ષની સાથે વાતચીત કરી હતી.આ ઘટના બાદ આજે ગુજરાતી વિભાગના હેડ પ્રો.પુંડરિક પવાર તથા બીજા ચાર અધ્યાપકો પ્રો.ભરત મહેતા, ડો.રાજેશ પંડયા, ડો.ભરત પંડયા તેમજ ડો.રાઘવ ભરવાડ આજે એમ.એસ.યુનિવર્સિટી તેમજ ગુજરાતી વિભાગની ગરીમાનુ રક્ષણ કરો...ના નારા સાથે ધરણા પર બેઠા હતા.આ અધ્યાપકોની સાથે વિભાગમાં એમએ તેમજ પીએચડીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ધરણામાં જોડાયા હતા.ડો.ભરત મહેતાએ કહ્યુ હતુ કે, અમારા પર મહિલા અધ્યાપકે જે પણ આક્ષેપ કર્યા છે તે ખોટા છે.એવી કોઈ સમસ્યા જ નથી કે જેના કારણે ફેકલ્ટીમાં અભયમની ટીમને બોલાવવી પડે.