ફિંગર પ્રિન્ટ આપવાની બાકી હોય તેવા અધ્યાપકોને બે દિવસનો સમય અપાયો

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
ફિંગર પ્રિન્ટ આપવાની બાકી હોય તેવા અધ્યાપકોને બે દિવસનો સમય અપાયો 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી પૂરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમનો અમલ ૨૧ ઓક્ટોબરથી થવાનો છે.આ માટે અધ્યાપકો અને કર્મચારીઓની ફિંગર પ્રિન્ટ લેવાની શરુઆત કરવામાં આવી હતી.

જોકે હજી પણ પાંચ ટકા જેટલા અધ્યાપકો અને કર્મચારીઓની ફિંગર પ્રિન્ટ લેવાની બાકી છે.આવા અધ્યાપકો અને કર્મચારીઓને તા.૧૮ અને ૧૯ ઓક્ટોબરના રોજ કોમ્પ્યુટર સેન્ટર પર સાંજે ૪ થી ૬માં જઈને ફિંગર પ્રિન્ટ આપવા માટે સૂચના અપાઈ છે.ઉલ્લેખનીય છે કે, બાયોમેટ્રિક સિસ્ટમ પ્રમાણે હાજરી પૂરવામાંથી વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રારને બાકાત રાખવામાં આવ્યા છે.

યુનિવર્સિટીમાં બાયોમેટ્રિક સિસ્ટમના અમલ સામે ખાસ કરીને અધ્યાપક આલમમાં  અસંતોષ છે.કારણકે સત્તાધીશોએ બાયોમેટ્રિક સિસ્ટમનો અમલ કરવાની સાથે કેમ્પસમાં સાત કલાક હાજર રહેવાનુ ફરમાન કર્યુ છે.ઘણા અધ્યાપકોનુ કહેવુ છે કે, અમે તો સાત કલાક કરતા વધારે પહેલાથી જ કામ કરીએ છે પણ હવે સાત કલાક બાદ એક મિનિટ વધારે નહીં રોકાઈએ.

કેટલાક અધ્યાપકોનુ એવુ પણ કહેવુ છે કે, સેમિનાર-વર્કશોપમાં આપેલી હાજરીના કલાકોની ગણતરી કેવી રીતે થશે?અધ્યાપકોએ પરીક્ષાના પેપર તપાસવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ જવુ પડે છે તો તે વખતે સાત કલાકની હાજરી કેવી રીતે ગણવામાં આવશે?કોમર્સના અધ્યાપકો  તો ગર્લ્સ,જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ, મેઈન બિલ્ડિંગ એમ અલગ ઔઅલગ યુનિટ પર રોજ લેક્ચર લેતા હોય છે.આ અધ્યાપકોએ બાયોમેટ્રિક સિસ્ટમ પ્રમાણે કયા યુનિટ પર હાજરી પૂરવી તેવો સવાલ પણ પૂછ્યો છે.

આમ બાયોમેટ્રિક સિસ્ટમના અમલ સાથે અધ્યાપકોની મૂંઝવણો અને તેમના સવાલનો જવાબ આપવો પણ સત્તાધીશો માટે જરુરી બન્યો છે.



Google NewsGoogle News