ચાર મહિનાથી બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરાઈ પણ સત્તાવાર નિયમો નથી બનાવાયા

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
ચાર મહિનાથી બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરાઈ પણ સત્તાવાર નિયમો નથી બનાવાયા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હાજરી પૂરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ ચાર મહિનાથી લાગુ કરવામાં આવી છે પણ તેને લઈને હજી સુધી સત્તાધીશો દ્વારા અધ્યાપકો અને કર્મચારીઓને સત્તાવાર રીતે નિયમોની કે એસઓપીની કોઈ જાણકારી આપવામાં આવી નથી.

અધ્યાપકો અને કર્મચારીઓમાં યુનિવર્સિટી સત્તાધીશોની મનમાની સામે ભારે રોષ છે.આર્ટસ ફેકલ્ટીના અધ્યાપકોના વોટસ એપ ગુ્રપમાં આ વાતનો પડઘો પડયો છે.એક વરિષ્ઠ અધ્યાપકે  એક લાંબો મેસેજ આ ગુ્રપમાં મુકયો હતો અને તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ થયા બાદ હાજરીના નિયમોની જાણકારી મીડિયામાંથી અધ્યાપકોને મળી રહી છે પણ અધ્યાપકો પાસે યુનિવર્સિટી તરફથી તેની કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.

અધ્યાપકે કહ્યુ હતુ કે, અમારી  વિનંતી છે કે, સ્પષ્ટ નીતિ નિયમો બનાવવામાં આવે .ઉપરાંત અધ્યાપક આલમની હાજરીના નિયમો, પગાર કાપની શક્યતા અને રજાઓ કાપી લેવા સહિતની જે પણ ચિંતાઓ છે તે ફેકલ્ટી ડીન વાઈસ ચાન્સેલર સુધી પહોંચાડે.સાથે સાથે હાજરી પૂરવા માટેની સિસ્ટમના ભાગરુપે અધ્યાપકોનો ડેટા થર્ડ પાર્ટી કંપની સાથે શેર કરવામાં આવ્યો છે.આ બાબત પણ ચિંતાજનક છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ફેકલ્ટી ડીનની બેઠકમાં હાજરી અંગે ચર્ચા થઈ હતી અને તેમાં ફેકલ્ટી ડીન્સને સૂચના અપાઈ હતી કે, અધ્યાપકો જો નિયત સમય કરતા પંદર મિનિટ મોડા આવે તો અને સાત કલાકથી પહેલા જતા રહે તો તેમની ગેરહાજરી પૂરવામાં આવે.જોકે ફેકલ્ટીડીનની બેઠક બાદ પણ હજી સુધી અધ્યાપકોને યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે કોઈ જાણકારી નહીંં મળી હોવાથી અધ્યાપકો અને કર્મચારીઓમાં પણ નિયમોને લઈને મૂંઝવણ જોવા મળી રહી છે.



Google NewsGoogle News