શાળાના વેકેસન અને પરિણામોની તારીખો જાહેર નહિં થતાં શિક્ષકો અટવાયા,LC,રિઝલ્ટની એડવાન્સ કામગીરી પર અસર
વડોદરાઃ લોકસભાની ચૂંટણીને કારણે વેકેસનની તારીખ રદ થયા બાદ નવી તારીખ જાહેર નહિં થતાં વડોદરા જિલ્લાની પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો અટવાયા છે.શિક્ષકો દ્વારા એલ.સી. અને પરિણામોની કામગીરીમાં વિલંબ ના થાય તે માટે તાકિદે નવી તારીખ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીની કામગીરીમાં શિક્ષકો રોકાનાર હોવાથી વેકેસનની જાહેર થયેલી તા.૬ મે ની તારીખ રદ કરવામાં આવી હતી.પરંતુ તેની સામે નવી તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.આવી જ રીતે પરિણામની તારીખ પણ અપાઇ નથી.
શિક્ષકોનું કહેવું છે કે,જિલ્લાના કેટલાક ગામોમાં ધોરણ-૫ સુધીની જ સ્કૂલો છે.જ્યારે કેટલાક સ્થળોએ ધોરણ-૮ સુધીની સ્કૂલો છે.જેથી આવા વિદ્યાર્થીઓને બીજે એડમિશન લેવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જરૃર હોય છે.આ સર્ટિફિકેટ પર શાળા છોડયાની તારીખના કોલમમાં પરિણામની તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે.
હાલમાં શિક્ષકો ચૂંટણીની તાલીમ અને અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત છે અને બીજીતરફ પરિણામો પણ તૈયાર કરી રહ્યા છે.જેથી જો વેકેસન અને પરિણામની તારીખ જાહેર થઇ હોય તો એડવાન્સમાં એલસી તૈયાર થઇ શકે.આ ઉપરાંત વિદેશ કે અન્ય પ્રવાસના સ્થળોએ જવા માટે પ્લાનિંગ,સામાજિક કાર્યક્રમોના આયોજન જેવી બાબતો પણ ઘોંચમાં પડી છે.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પણ આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.