RTI કરનારા શિક્ષકનો સવાલ, વર્ષો જૂનો ઈતિહાસ મળે તો 2019 પછીનો રેકોર્ડ ના મળે?
RTI Record : વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી પ્રક્રિયાની જાણકારી માગતી આર.ટી.ઈ સમિતિના જ શિક્ષક દ્વારા કરવામાં આવી હતી. માહિતી કમિશનરની કોર્ટે જે તે સમયના માહિતી અધિકારી તેમજ શાસનાધિકારીની આ જાણકારી નહીં આપવા બદલ ઝાટકણી કાઢી હતી.
જોકે એ પછી પણ શિક્ષકને તેનો જવાબ મળ્યો નથી અને ઉલટાનું સમિતિના કર્મચારીઓએ 2020થી 2023 દરમિયાનો શ્રેષ્ઠ શિક્ષક પસંદગીનો રેકોર્ડ જ નહીં મળી રહ્યો હોવાનો જવાબ આપ્યો છે. જેના પગલે 11 કર્મચારીઓને શાસનાધિકારીએ નોટિસ ફટકારીને ખુલાસો પૂછ્યો છે.
આ વિવાદ વચ્ચે આર.ટી.આઈ હેઠળ માહિતી માગનાર શિક્ષક ગિરિશ શાહે સવાલો ઉઠાવ્યા છે.તેમણે આક્ષેપ કર્યો છે કે, હજારો વર્ષ જૂના ઈતિહાસનો રેકોર્ડ મળી શકતો હોય તો 2019 અને તે પછીનો રેકોર્ડ કેમ ના મળે? શું શ્રેષ્ઠ શિક્ષકની પસંદગીમાં થયેલી ગેરરીતિઓ છુપાવવા માટે રેકોર્ડ ગૂમ તો નથી કરાયોને તેવા તર્ક વિતર્ક શિક્ષક આલમમાં થઈ રહ્યા છે. ભલે બંધ પસંદગી પ્રક્રિયાની જાણકારી બંધ કવરમાં આપવામાં આવતી હોય પણ તેનો રેકોર્ડ તો રાખવો જ પડતો હોય છે.