મલ્ટી પર્પઝ સ્પાઈરોમીટર ઈન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે મેડિકલ કોલેજના અધ્યાપકને પેટન્ટ
વડોદરાઃ વડોદરા મેડિકલ કોલેજના ફિઝિઓલોજી વિભાગના અધ્યાપકે વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ માટે વિકસાવેલા મલ્ટી પર્પઝ સ્પાઈરોમીટરને ભારત સરકારના પેટન્ટ વિભાગે પેટન્ટ એનાયત કરી છે.આ સ્પાઈરોમીટર માત્ર મેડિકલના જ નહીં પણ ટેકનોલોજીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ કામ લાગી શકે છે.
સ્પાઈરોમીટર નામનુ ઈન્સ્ટ્રુમેન્ટ આમ તો પહેલેથી જ ચલણમાં છે અને મેડિકલના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ માટે તેનો ઉપયોગ કરે જ છે પણ ફિઝિઓલોજી વિભાગના અધ્યાપક ડો.પ્રશાંત રાજદીપનુ કહેવુ છે કે, વિદ્યાર્થીઓને પડતી તકલીફ જોઈને મને ફેરફારનો વિચાર આવ્યો હતો.સામાન્ય રીતે સ્પાઈરોમીટરનો ઉપયોગ ફેફસાની ક્ષમતા જાણવાના પ્રેક્ટિકલ માટે થતો હોય છે.પરંપરાગત સ્પાઈરોમીટરમાં પુલી નીકળી જવી કે સ્કેલ હલતી હોવાની ખામી સર્જાતી હોય છે.જેને દૂર કરવા માટે મેં કેટલાક ટેકનિકલ ફેરફાર કર્યા છે.સાથે સાથે વિદ્યાર્થીઓ નવા ઈન્સ્ટ્રુમેન્ટમાં ફેફસાની ક્ષમતાની સાથે સાથે ફ્લો ડાયનેમિક્સનો પણ અભ્યાસ કરી શકે છે.જે અત્યાર સુધી વિદ્યાર્થીઓને થીયરી સ્વરુપે જ ભણવુ પડતુ હોય છે.
ડો.રાજદીપના કહેવા અનુસાર સ્પાઈરોમીટરમાં કરેલા બદલાવથી હવે વિદ્યાર્થીઓ શરીરમાં બોલ વાલ્વ અને ફ્લેપ વાલ્વની કામગીરીનો પણ પ્રેક્ટિકલ અભ્યાસ કરી શકશે તેમજ આ જ ઈન્સ્ટ્રુમેન્ટ રેસ્પિરેટરી સાઉન્ડના અભ્યાસ માટે પણ કામ લાગશે.આમ આ મલ્ટીપર્પઝ ઈન્સ્ટ્રુમેન્ટ છે.જે ટેકનોલોજીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વેન્ચુરી ડ્રોપ, પ્રેશર ડ્રોપ બેન્ડ પાઈપ જેવા પ્રેક્ટિકલ માટે પણ ઉપયોગમાં લઈ શકે છે.ડો.રાજદીપને ગત વર્ષે શ્વાસોશ્વાસની સમસ્યાવાળા દર્દીઓ માટે બનાવાયેલા વિશેષ જેકેટ માટે પણ પેટન્ટ એનાયત કરવામાં આવી હતી.