વીસીની નિમણૂકના મામલાની તપાસ વડોદરા પોલીસે અગમ્ય કારણસર અટકાવી દીધી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે ડો.વિજય શ્રીવાસ્તવની નિમણૂંકના વિવાદમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે પણ વડોદરા પોલીસ દ્વારા આ મામલાની તપાસ અટકાવી દેવામાં આવી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરીને યુનિવર્સિટીના વરિષ્ઠ અધ્યાપક પ્રોફેસર સતીશ પાઠકે વડાપ્રધાન કાર્યાલયને ફરી એક પત્ર લખ્યો છે.
પ્રો.પાઠકે આ પહેલા ડો.શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલરની નિમણૂક માટે ખોટો બાયોડેટા રજૂ કર્યો હોવાથી તેમને આ પદ પરથી હટાવવામાં આવે તેવી રજૂઆત વડાપ્રધાન કાર્યાલયથી માંડીને તમામ સ્તરે કરી ચૂકયા છે.જેના કારણે તાજેતરમાં વડાપ્રધાન કાર્યાલયે આ મામલાની તપાસનો આદેશ આપતો પત્ર ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને પાઠવ્યો હતો.
આ મામલામાં પ્રો.પાઠકે પીએમઓને વધુ એક પત્ર મોકલીને જણાવ્યું છે કે, વડાપ્રધાન કાર્યાલયના આદેશ બાદ તા.૪ ઓગસ્ટે મને સયાજીગંજ પોલીસ મથકના પીઆઈનો ફોન આવ્યો હતો અને તેમણે વાઈસ ચાન્સેલર સામે કરેલી પિટિશનના સંદર્ભમાં કેટલીક પૂછપરછ માટે બોલાવ્યો હતો.મેં તેમને તમામ પ્રકારનો સહકાર આપવાની પણ ખાતરી આપી હતી.જોકે એ પછી મેં વારંવાર ફોન કર્યા પછી પણ પીઆઈ મને મુલાકાત આપી રહ્યા નથી.એવું લાગે છે કે, કોઈ કારણસર આ તપાસ અટકાવી દેવામાં આવી છે.વડોદરા પોલીસ ૨૦ દિવસ પછી પણ આ કેસની તપાસમાં ઠેરની ઠેર છે.
પ્રો.પાઠકે સાથે સાથે વડોદરા સિટિઝન ફોરમ દ્વારા પોલીસ કમિશનરને અપાયેલી અરજીનો સંદર્ભ ટાંકીને વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે વડાપ્રધાન કાર્યાલય આદેશ આપે તેવી માગ પણ કરી છે.