આર્ટસ ફેકલ્ટીમાં મહિલા અધ્યાપકે અભયમની ટીમને બોલાવી

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
આર્ટસ ફેકલ્ટીમાં મહિલા અધ્યાપકે અભયમની ટીમને બોલાવી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ગુજરાતી વિભાગમાં ચાલી રહેલા આંતરિક વિખવાદના કારણે બે દિવસ પહેલા ગુજરાતી વિષયની પરીક્ષા જ લેવાઈ નહોતી.આજે હવે એક નવો વિવાદ સર્જાયો હતો અને તેમાં   ફેકલ્ટીમાં અભયમ ટીમની એન્ટ્રી પડતા હલચલ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે ફેકલ્ટીના  એક મહિલા અધ્યાપકે   અભયમ...ટીમને બોલાવીને ફેકલ્ટીના પાંચ વરિષ્ઠ અધ્યાપકો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા હતા.અભયમની ટીમ દ્વારા અધ્યાપકને સાંભળવામાં આવ્યા હતા અને જેમની સામે આક્ષેપ થયા હતા તે પાંચ અધ્યાપકોને પણ સાંભળવામાં આવ્યા હતા.

અભયમની ટીમ દ્વારા ફેકલ્ટી ડીન સાથે પણ મુલાકાત કરવામાં આવી હતી.જાણવા મળતી વિગતો પ્રમાણે આ મામલો યુનિવર્સિટી સત્તાધીશો સુધી પણ પહોંચ્યો હતો.જોકે એ બાદ આક્ષેપોના સંદર્ભમાં આગળ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.આર્ટસ ફેકલ્ટીમાં અધ્યાપક દ્વારા અભયમની મદદ લેવામાં આવી હોવાની આ પહેલી ઘટના છે.

ફેકલ્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદમાં ફેકલ્ટી અને યુનિવર્સિટી સત્તાધીશોએ અપનાવેલુ નરો વા, કુંજરો વા..નુ વલણ પણ એટલુ જ ચોંકાવનારુ છે.બે વર્ષ કરતા વધારે સમયથી  આંતરિક ખેંચતાણ ચાલી રહી છે.બે જૂથો એક બીજાની સામે સત્તાધીશો સમક્ષ આક્ષેપો પણ કરી રહયા છે.જોકે સત્તાધીશોએ આટલા સમયથી કોઈ કાર્યવાહી નહીં કરી હોવાથી વિવાદ વધારે વકરી રહ્યો છે અને યુનિવર્સિટીની આબરુનો ફજેતો થઈ રહ્યો છે.



Google NewsGoogle News