આર્કિટેકચર વિભાગમાં પણ બે મહિનાથી ફરજ બજાવતા અધ્યાપકને છેવટે ઓર્ડર ના અપાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓ સાથે યુનિવર્સિટી સત્તાધીશો રોજિંદા પગાર પર કામ કરતા કર્મચારીઓ કરતા પણ ખરાબ વ્યવહાર કરી રહ્યાં છે.
આર્ટસ ફેકલ્ટીમાં ત્રણ અધ્યાપકોએ બે મહિના સુધી ઓર્ડર વગર કામ કર્યા બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ તેમની જગ્યાએ બીજા કોઈને નિમણૂક આપી દીધી છે અને આવું જ આર્કિટેકચર વિભાગમાં પણ બન્યું છે.
સામાન્ય રીતે ઈન્ટરવ્યૂમાં જે ઉમેદવારની પસંદગી થતી હોય છે તેને નિમણૂકનો સત્તાવાર ઓર્ડર મળવામાં વિલંબ થાય તેવા સંજોગોમાં ફેકલ્ટી ડીન દ્વારા ફરજ બજાવવા માટે કહેવામાં આવતું હોય છે.જેથી ઓર્ડરમાં વિલંબના અભાવે શિક્ષણ કાર્ય પર અસર ના પડે.
યુનિવર્સિટીમાં આ પ્રકારની પરંપરા કેટલાય વર્ષોથી ચાલી આવે છે.જોકે આ વર્ષે યુનિવર્સિટી સત્તાધીશોએ ફેકલ્ટી ડીનો દ્વારા જે ઉમેદવારોને ઓર્ડર વગર નોકરીમાં ચાલુ રાખ્યા હોય તેમની જગ્યાએ બીજા ઉમેદવારને નોકરીના ઓર્ડર આપવાનું શરુ કર્યુ છે.
છેલ્લા પાંચ વર્ષથી આર્કિટેકચર વિભાગમાં હંગામી અધ્યાપક તરીકે પસંદ થતા એક મહિલા અધ્યાપકને આ વર્ષે પણ વિભાગના હેડ દ્વારા બે મહિના પહેલાથી ફરજ પર આવવા માટે કહેવામાં આવ્યું હતુ.કારણકે ઈન્ટરવ્યૂ બાદ તેમની પસંદગીની ભલામણ થઈ હતી.જોકે હવે સત્તાવાર ઓર્ડર અન્ય કોઈ ઉમેદવારને અપાયો છે અને યુનિવર્સિટી સત્તાધીશોએ આ મહિલા અધ્યાપકની બાદબાકી કરી નાખી છે.
એવુ પણ ચર્ચાઈ રહ્યુ છે કે, આ મહિલા અધ્યાપક વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની નિમણૂકને હાઈકોર્ટમાં પડકાર પ્રોફેસર સતીશ પાઠકના પુત્રી છે અને તેની કિન્નાખોરી રાખીને મહિલા અધ્યાપકની પસંદગી કરવામાં આવી નથી.હવે પ્રો.પાઠકે આર્કિટેકચર વિભાગમાં થયેલા હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ અંગે રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટ હેઠળ જાણકારી માગી છે.