ટાટા કંપનીની હેરિયર કાર ચોરતી ટોળકીએ એક મહિનામાં ચાર કારની ઉઠાંતરી કરી

આજવા રોડ પરથી બે, વાઘોડિયા રોડ અને સંગમ ચાર રસ્તા પાસેથી બે કારની ચોરી

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
ટાટા કંપનીની હેરિયર કાર ચોરતી ટોળકીએ એક મહિનામાં ચાર કારની ઉઠાંતરી કરી 1 - image

 વડોદરા,શહેરમાં છેલ્લા એક મહિનાથી ટાટા  કંપનીની હેરિયર કારની ચોરી કરતી ટોળકી સક્રિય થઇ છે. આજવા રોડ પરથી બે , વાઘોડિયા રોડ તથા સંગમ ચાર રસ્તા નજીકથી કાર ચોરી થઇ  હતી. આજવા રોડ પરથી ચોરી થયેલી કારના માલિકે કરેલી તપાસ દરમિયાન ચોર વડોદરાથી મધ્યપ્રદેશ તરફ ભાગી ગયો હોવાનું જણાઇ આવે છે.

આજવા રોડ સયાજી પાર્ક બસ સ્ટોપની સામે વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ. જીવણભાઇ ચૌહાણનો પુત્ર વિજયસિંહ અલકાપુરી ખાતે ખાનગી કંપનીમાં કસ્ટમ એન્ડ સેલ્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓએ માર્ચ - ૨૦૨૪ માં ટાટા કંપનીની હેરિયર કાર ખરીદી હતી. તેમણે કારમાં જી.પી.એસ. ડિવાઇસ ફિટ કર્યુ છે. જેથી, કારની કોઇપણ મુવમેન્ટ થાય તો તેમના મોબાઇલ ફોનમાં મેસેજ આવે. ગત તા. ૧૭ મી જૂને રાતે ૯ વાગ્યે તેઓ ઘરની નજીક પાર્ક કરીને સૂઇ ગયા હતા. બીજે દિવસે સવારે છ વાગ્યે ઉઠીને તેમણે મોબાઇલમાં ચેક કર્યુ તો મેસેજ હતો કે, ચાર વાગ્યે જી.પી.એસ. કાઢી નાંખ્યું છે. જેથી, તેમણે ઘરની બહાર આવીને જોયું તો તેમની કાર પાર્ક કરેલી જગ્યાએ નહતીં. આજુબાજુ તપાસ કરતા કાર મળી આવી નહતી. જે અંગે તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાર માલિકનું કહેવું છે કે, છેલ્લા એક જ મહિનામાં આજવા રોડ પરથી બે, એક વાઘોડિયા રોડ અને એક સંગમ ચાર રસ્તા નજીકથી  હેરિયર કાર જ ચોરાઇ છે. કોઇ ચોક્કસ ટોળકી સક્રિય થઇ હોવાનું લાગી રહ્યું છે. કાર માલિકે સીસીટીવી ફૂટેજ ચેક કરતા કાર લઇને આરોપી આજવા રોડથી હાઇવે થઇ હાલોલ, ગોધરા થઇ રતલામ દિલ્હી - મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર જતી દેખાય છે. પોલીસે પણ એક ટીમ બનાવી કાર ચોરને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે. કાર માલિકનું કહેવું છે કે, ચોર એટલો  એક્સપર્ટ છે કે, કાર ચોરતા સમયે સેન્સર પણ વાગતું નથી.


ટોલ નાકા પર નિવૃત્ત એ.એસ.આઇ.નું આઇકાર્ડ બતાવ્યું

વડોદરા,આરોપીએ કાર ચોરી કરી આજવારોડ પર એક ગલીમાં જાય છે. ત્યાં તેણે કારની નંબર પ્લેટ કાઢી નાંખી હોવાનું જણાય આવે છે. કારમાં વિજયસિંહના નિવૃત્ત પિતા જીવણભાઇનું પોલીસ ડિપાર્ટેમેન્ટનું કાર્ડ પણ  હતું. આરોપીએ દરેક ટોલનાકા પર તેઓનું આઇકાર્ડ બતાવ્યું હતું. વિજયસિંહનું કહેવું છે કે,  હવે તો શો  રૃમમાંથી નંબર પ્લેટ સાથે જ કાર બહાર આવે છે. ત્યારે નંબર પ્લેેટ વગરની કાર ટોલ ટેક્સ પરથી  કઇ  રીતે પસાર થઇ ?


Google NewsGoogle News