વડોદરામાં એરક્રાફ્ટ બનાવવાના પ્રોજેકટથી ૩૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે
વડોદરાઃ વડોદરામાં સી-૨૯૫ એરક્રાફ્ટ બનાવવાના પ્રોજેકટના કારણે સ્થાનિક સ્તરે ૩૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે તેમ વિદેશ મંત્રાલયના પ્રવકતાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું.જોકે આ પ્રોજેકટ પાછળ વડોદરામાં કેટલું રોકાણ થયું છે તેની જાણકારી નહીં હોવાનું કહ્યું હતું.
વડોદરામાં પહેલી વખત યોજાયેલી વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના તન્મય લાલે કહ્યું હતું કે, બે દાયકામાં સ્પેનના વડાપ્રધાનની આ પહેલી ભારત મુલાકાત છે.આવતીકાલે, મંગળવારે તેઓ મુંબઈમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝની હાજરીમાં બંને દેશો વચ્ચે રેલવે, કસ્ટમ, વેપારના ફાસ્ટ ટ્રેક મિકેનિઝમ, ટુરિઝમ, ક્લ્ચરલ એક્સચેન્જ તેમજ ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં પરસ્પર ભાગીદારી વધારવા માટેના એમઓયુ થયા છે.ભારત અને સ્પેન વચ્ચેનો વેપાર ૧૦ અબજ ડોલર પર પહોંચ્યો છે.સ્પેનનું ભારતમાં ૪ અબજ અને ભારતનું સ્પેનમાં એક અબજ ડોલરનું રોકાણ છે.સ્પેનની ૨૩૦ કંપનીઓ ભારતમાં અને ભારતની ૮૦ કંપનીઓ સ્પેનમાં કાર્યરત છે.ભારતીય મૂળના ૭૫૦૦૦ લોકો સ્પેનમાં રહે છે.દર વર્ષે અઢી લાખ ભારતીયો સ્પેન ફરવા માટે જાય છે.જોકે તેની સામે સ્પેનના ૪૦૦૦૦ જ ટુરિસ્ટ પ્રતિ વર્ષ ભારત આવે છે.જે સંખ્યા વધારવા માટે ભારત પ્રયાસ કરશે.તાજેતરમાં ભારતે સ્પેનના બાર્સેલોનામાં કોન્સ્યુલેટ જનરલની કચેરી શરુ કરી છે અને સ્પેન પણ આગામી દિવસોમાં ભારતમાં બેંગ્લોરમાં કોન્સ્યુલેટ ખોલવા જઈ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, સ્પેનિશ કંપનીઓ ભારતમાં લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે ઉત્સુકતા બતાવી રહી છે.આ ઉપરાંત યુક્રેન અને રશિયાના યુધ્ધ મુદ્દે પણ બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી.વડાપ્રધાન મોદીએ સ્પેનના વડાપ્રધાન સમક્ષ ફરી કહ્યું હતું કે, આ સમય યુધ્ધનો નથી અને સંઘર્ષની જગ્યાએ વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવી શકશે.